તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
ગુજરાતમાં મતદારયાદી સુધારણા અભિયાનમાં ૬૮ લાખથી વધુ નામ કમી: હાઈકોર્ટના આદેશ બાદ ભાજપના પૂર્વ પ્રમુખ સહિત સાત લોકોના નામ ફરી ઉમેરાયા
SIR અભિયાન હેઠળ રાજ્યના ૧૩.૪ ટકા મતદારોની બાદબાકી થતા વિવાદ: પોરબંદર, અમદાવાદ અને કચ્છના કિસ્સાઓમાં તંત્રની બેદરકારી સામે આવતા હાઈકોર્ટે ચૂંટણી લડવાના અધિકારને ગૌરવવંતો ગણાવી આપી મોટી રાહત

અમદાવાદ:ગુજરાતમાં નવેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ચાલેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનમાં મતદારયાદીમાંથી અધધ ૬૮.૧૨ લાખ નામો કાઢી નાખવામાં આવતા રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો છે. આ કવાયત બાદ રાજ્યના કુલ મતદારોની સંખ્યા ૫ કરોડ ૮ લાખથી ઘટીને ૪ કરોડ ૪૦ લાખ થઈ ગઈ છે, જે મતદારોની કુલ સંખ્યામાં ૧૩.૪ ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે. આ આંકડો રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં ૧૩.૨૧ ટકા નામ કપાયા છે, જ્યારે ગુજરાત આ યાદીમાં સૌથી આગળ નીકળી ગયું છે.
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને પણ કાયદાકીય લડત લડવી પડી:
ચૂંટણી તંત્રની કામગીરીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે પોરબંદર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ વિક્રમ ઓડેદરાનું નામ પણ મતદારયાદીમાંથી ગાયબ થઈ ગયું હતું. વિક્રમ ઓડેદરાએ ૩૦ માર્ચે નામ ઉમેરવા માટે અરજી કરી હતી, જેને મ્યુનિસિપલ કમિશનરે મંજૂર પણ કરી દીધી હતી. જોકે, ૫ એપ્રિલે અચાનક એવી નોટિસ આપવામાં આવી કે વિધાનસભા વિસ્તારની યાદીમાં નામ ન હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં નામ દાખલ કરી શકાય નહીં. આ મામલે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે જો એકવાર કમિશનરે અરજી સ્વીકારી લીધી હોય, તો તેને પાછળથી પલટી શકાય નહીં. અંતે કોર્ટના હસ્તક્ષેપ બાદ તેમનું નામ યાદીમાં ફરી જોડાયું છે.
ડિજિટલ કન્ફર્મેશન છતાં મતદારોની બાદબાકી:
અમદાવાદના ખોખરા વિસ્તારના ૩૨ વર્ષીય સંજય ગઢવીનો કિસ્સો પણ ચોંકાવનારો છે. બીમાર માતાની સેવા માટે બે વર્ષ ગામડે રહેલા સંજય જ્યારે પરત ફર્યા ત્યારે તેમનું નામ ગાયબ હતું. ૧૨ માર્ચે કરેલી અરજીની ડિજિટલ પુષ્ટિ મળી હોવા છતાં નામ ઉમેરાયું નહોતું. જસ્ટિસ એન.એસ.એસ. ગૌડા અને જે.એલ. ઓડેદરાની બેન્ચે ડિજિટલ પુરાવાને ગ્રાહ્ય રાખી તેમનું નામ ઉમેરવા આદેશ કર્યો હતો. નામ ઉમેરાતાની સાથે જ કોંગ્રેસે તેમને ખોખરા વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા છે. તેવી જ રીતે, પાટીદાર આંદોલનના પૂર્વ કન્વીનર અને હાલ ભાજપ સાથે જોડાયેલા જયેશ પટેલે સરનામું બદલવાની સૂચના આપી હતી અને તેમને એસએમએસ દ્વારા પુષ્ટિ પણ મળી હતી. તેમ છતાં ભાજપ કાર્યાલયે ટિકિટ માટે અરજી કરવા જતા ખબર પડી કે તેમનું નામ યાદીમાં નથી. કોર્ટે આ કિસ્સામાં ટકોર કરી હતી કે કોઈ પણ નાગરિકનો ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છીનવી શકાય નહીં.
૬૮ લાખ મતદારો સામે સવાલો:
હાઈકોર્ટ પહોંચેલા આઠ લોકોમાંથી સાતને રાહત મળી છે, પરંતુ અમદાવાદની કવિતા ચેતન યાદવની અરજીમાં કોર્ટે રસ ન દાખવતા તેમણે અરજી પાછી ખેંચી લીધી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૬ એપ્રિલે યોજાવાની છે અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પણ વીતી ગઈ છે. આવી સ્થિતિમાં, જે ૬૮ લાખ લોકોના નામ કપાયા છે, તેમાંથી કેટલા લોકો પાસે કોર્ટમાં જવાનો સમય કે સંસાધનો હશે તે એક મોટો પ્રશ્ન બનીને ઉભો રહ્યો છે. જે મતદારો કોર્ટ સુધી પહોંચી શક્યા નથી, તેઓ હવે માત્ર પ્રેક્ષક બનીને રહી જશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
