News of Saturday, 11th April 2026
પહેલગામ આતંકી હુમલાથી પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય કદ વધ્યું: અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે લશ્કરના કમાન્ડર અબુ મૂસાનો સનસનીખેજ કબૂલાતનામું
૨૬ નિર્દોષોના લોહીથી ખરડાયેલા હુમલાને આતંકી સંગઠને પાકિસ્તાની કૂટનીતિક સફળતા ગણાવી; ઇસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ મધ્યસ્થી પાછળ આતંકવાદનો ટેકો હોવાનો દાવો બહાર આવતા વૈશ્વિક મંચ પર ખળભળાટ

ઇસ્લામાબાદ:કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને લઈને એક એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેણે પાકિસ્તાનની બેવડી નીતિ અને આતંકવાદ સાથેના તેના અતૂટ સંબંધોને ફરી એકવાર વિશ્વ સમક્ષ ઉઘાડા પાડી દીધા છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે નિર્દોષોના જીવ લેનારા આ હુમલાએ જ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની હેસિયત વધારી છે.
હુમલાને પાકિસ્તાનની 'સિદ્ધિ' ગણાવતો અબુ મૂસા:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબુ મૂસા કશ્મીરીએ દાવો કર્યો છે કે પહેલગામ આતંકી હુમલા બાદ જ પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર વધુ મહત્વ મળવાનું શરૂ થયું છે. તેણે સનસનીખેજ નિવેદન આપતા જણાવ્યું કે, આ હુમલાના કારણે જ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત થઈ અને તેને અમેરિકા તથા ઈરાન જેવા દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની તક મળી છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં થયેલા આ ક્રૂર હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
અમેરિકા-ઈરાન વાટાઘાટો પર સવાલ:
આ ચોંકાવનારું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. એક તરફ પાકિસ્તાન પ્રાદેશિક તણાવ ઓછો કરવા માટે મધ્યસ્થી હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આતંકી કમાન્ડરના આ કબૂલાતનામાએ સમગ્ર શાંતિ પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. શું કોઈ લોહિયાળ હુમલાને કૂટનીતિક સફળતાનો આધાર બનાવી શકાય? તેવો પ્રશ્ન હવે વૈશ્વિક સ્તરે ઉઠી રહ્યો છે.
પાકિસ્તાનની વિશ્વસનીયતા જોખમમાં:
રક્ષણ નિષ્ણાતો માને છે કે આ પ્રકારના નિવેદનો પાકિસ્તાનની બદનીતિનો પુરાવો છે. એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર શાંતિ અને સ્થિરતાની વાતો કરે છે, તો બીજી તરફ આતંકીઓ એવો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનને મળતું મહત્વ આતંકી ઘટનાઓને આભારી છે. આ ઘટનાક્રમ બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં વધુ ખટાશ આવવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ફરી એકવાર અલગ-થલગ પડી જાય તેવી શક્યતા છે. આ કબૂલાતનામાએ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદને પોતાની વિદેશ નીતિના એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
