<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ચમોલીમાં દર્દનાક હેલિકોપ્ટર દુર્ઘટના: ૨૪ કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યુ ટીમ પહોંચી, મૃતદેહો ચાહી ગામ થઈને રવાના

બદ્રીનાથ પરત ફરતી વખતે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પાયલોટ સહિત છ લોકોના કરૂણ મોત, વિકૃત થયેલા મૃતદેહોને ઋષિકેશ એઈમ્સ ખસેડવાની તંત્રની કવાયત

ગોપેશ્વર:ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથથી દેહરાદૂન પરત ફરી રહેલું હેલિકોપ્ટર પાંડુકેશ્વર વિસ્તારમાં અચાનક ક્રેશ થવાની ગોઝારી ઘટના બની હતી. આ ભયાનક દુર્ઘટનામાં દિલ્હીના પાયલોટ અને કર્ણાટકના પાંચ મુસાફરો સહિત કુલ છ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ દુર્ગમ વિસ્તાર અને રાત્રિના અંધકારના કારણે રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેના, આઈટીબીપી, એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમોને કામે લગાડવામાં આવી હતી. જોકે, પાંડુકેશ્વરના જંગલોમાં રીંછોની હાજરી અને અતિશય મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે બચાવ ટીમો ૨૪ કલાકના વિલંબ બાદ ઘટનાસ્થળે પહોંચી શકી હતી. ટીમે નાળું પાર કરવા માટે દોરડાનો સહારો લીધો હતો અને અંદાજે ૧૦૦ મીટર જેટલો રસ્તો જાતે ખોદીને આગળ વધવું પડ્યું હતું.

બચાવ ટીમોએ ભારે જોખમ અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે પાયલોટ અને પાંચેય મુસાફરોના વિકૃત થઈ ચૂકેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પાંડુકેશ્વરનો રસ્તો સુરક્ષિત ન જણાતા વહીવટી તંત્ર દ્વારા ચાહી ગામના જંગલવાળા માર્ગનો ઉપયોગ કરીને મૃતદેહોને સુરક્ષિત રીતે જોશીમઠ (જ્યોતિર્મથ) લાવવાની વ્યુહાત્મક યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

આ ભયાનક દુર્ઘટનાની ગંભીર નોંધ લઈને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ઉચ્ચ સ્તરીય ટીમોએ ઘટનાસ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું છે તેમજ હેલિપેડની મુલાકાત લીધી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ઋષિકેશ એઈમ્સ મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં તેમના સ્વજનો પહેલેથી જ ઉપસ્થિત છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(10:39 AM IST)