તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
અમેરિકાના સિએટલ સેન્ટરમાં ગોળીબારની દર્દનાક ઘટના : બાઈટ ઓફ સિએટલ ફુડ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગમાં ૨ લોકોના મોત : ૨ વર્ષના બાળક સહિત ૫ લોકો ઈજાગ્રસ્ત : જુઓ વિડીયો
૭૪ એકરમાં ફેલાયેલા પાર્કમાં હજારોની મેદની વચ્ચે સરેઆમ ગોળીબારથી ભારે નાસભાગ અને અફરાતફરી : હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટરમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ : પોલીસે વિસ્તાર ખાલી કરાવી તપાસ હાથ ધરી

સિએટલ: અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટ સ્થિત સિએટલ સેન્ટર ખાતે રવિવારે સાંજે એક અત્યંત આઘાતજનક અને ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. લોકપ્રિય 'બાઈટ ઓફ સિએટલ' ફુડ ફેસ્ટિવલ દરમિયાન અચાનક થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં ૨ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે ૨ વર્ષના નિર્દોષ બાળક સહિત કુલ ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાંજના લગભગ ૬:૦૦ વાગ્યાના સુમારે થયેલા આ ગોળીબાર બાદ ૭૪ એકરમાં ફેલાયેલા સમગ્ર પાર્ક પરિસરમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
ફૂડ ફેસ્ટિવલમાં હજારોની ભીડ વચ્ચે ગોળીબાર અને નાસભાગ:
સપ્તાહાંત નિમિત્તે સિએટલ સેન્ટર ખાતે યોજાયેલા વાર્ષિક ફૂડ ફેસ્ટિવલમાં હજારો લોકો એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શી એસ્તાન વાકાનાબોના જણાવ્યા મુજબ, સ્ટોલ્સ પર ભારે ભીડ હોવાથી લોકો માંડ ચાલી શકતા હતા. તેવામાં અચાનક ધડાધડ ગોળીઓનો અવાજ આવતાં લોકો પોતાનો જીવ બચાવવા એકબીજા પર કચડાતાં ભાગવા લાગ્યા હતા. ૨૨ વર્ષીય કેયલા કારિસ અને ૪૭ વર્ષીય પોલ સ્કીનરે જણાવ્યું કે શરૂઆતમાં ફટાકડા જેવો અવાજ આવ્યા બાદ ભયંકર કીકિયારીઓ સંભળાવા લાગી હતી અને લોકો સામાન ફેંકીને ઈમારતો તરફ દોડવા લાગ્યા હતા.
ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ - ૧ વૃદ્ધાની હાલત ગંભીર:
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને તબીબી ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ડિપાર્ટમેન્ટે ૨ વર્ષના બાળક, ૨૩ વર્ષીય યુવક, ૩૯ વર્ષીય મહિલા અને ૫૬ વર્ષીય મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટર ખસેડ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તમામ ૪ દર્દીઓને ગોળી વાગી છે, જેમાંથી ૫૬ વર્ષીય મહિલાની સર્જરી કરવામાં આવી છે અને તેમની હાલત ગંભીર છે. આ સિવાય ૪૦ વર્ષીય અન્ય એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આઈમેક્સ થિયેટર બંધ કરાવાયું, મોનોરેલ સેવાઓ સ્થગિત:
ઘટના સમયે નજીકના પેસિફિક સાયન્સ સેન્ટરના આઈમેક્સ થિયેટરમાં 'ધ ઓડિસી' મુવી જોઈ રહેલા એબ્દુલ મોહમ્મદે જણાવ્યું કે ફિલ્મ અચાનક રોકી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ શસ્ત્રો સાથે અંદર આવ્યા હતા અને દર્શકોને હાથ ઉપર રાખીને બહાર નીકળવા આદેશ આપ્યો હતો. તકેદારીના ભાગરૂપે થિયેટર બંધ કરી દેવાયું હતું. આ ઉપરાંત સિએટલ સેન્ટર સુધી જતી સિએટલ મોનોરેલ સેવાઓ પણ રવિવાર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
પોલીસ દ્વારા તપાસ શરૂ: હુમલાખોર અને મોટિવ અસ્પષ્ટ:
સિએટલ પોલીસ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે. હુમલા પાછળનો હેતુ શું હતો અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં લેવાયો છે કે કેમ તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટર ખાતે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને નજીકના રસ્તાઓ પર પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે.
(9:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
