News of Friday, 13th November 2026
બલુચિસ્તાનના મસ્તુંગમાં પાકિસ્તાની આર્મી કેમ્પ પર વિસ્ફોટક ટ્રકથી ઘાતક હુમલો: ડઝનેક સૈનિકોના મોતથી ખળભળાટ
દારૂગોળાથી ભરેલા વાહનના વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો અને વરિષ્ઠ અધિકારીઓ સહિતના જવાનોને બચવાની તક પણ ન મળી

મસ્તુંગ : પાકિસ્તાની સેના પર બલુચિસ્તાન વિસ્તારમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક હુમલો થયો છે, જ્યાં મસ્તુંગ જિલ્લાના કનક વિસ્તારમાં આવેલા પાકિસ્તાની આર્મી કેમ્પમાં ગુરુવારે બારમી નવેમ્બર ૨૦૨૬ના રોજ એક શંકાસ્પદ વ્યક્તિ દારૂગોળા અને વિસ્ફોટકોથી ભરેલી ટ્રક સીધી કેમ્પની અંદર ઘુસાડી દીધી હતી અને કેમ્પમાં પહોંચતા જ સર્જાયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર પરિસર ધરાશાયી થઈ ગયું હતું.
'ધ બલુચિસ્તાન પોસ્ટ'ના અહેવાલ મુજબ આ ખુંખાર હુમલામાં ડઝનેક પાકિસ્તાની આર્મી સૈનિકો માર્યા ગયા છે અને મૃતકોમાં સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વિસ્ફોટ એટલો અચાનક અને શક્તિશાળી હતો કે કેમ્પમાં હાજર સૈનિકોને સાવધ થવાની કે સ્વસ્થ થવાની કોઈ જ તક મળી ન હતી અને ક્ષણભરમાં આખો કેમ્પ રાખમાં ફેરવાઈ ગયો હતો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ટ્રકના વિસ્ફોટથી સર્જાયેલો ધડાકો એટલો ભયાનક હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને તેના આંચકાના તરંગોથી આસપાસની રહેણાંક ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું અને લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા ત્યારે ચારેય બાજુ ધુમાડાના ગોટેગોટા છવાયેલા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના બલુચિસ્તાનમાં સતત સશસ્ત્ર હુમલાઓનો સામનો કરી રહી છે જેમાં મસ્તુંગમાં ટ્રક વિસ્ફોટ ઉપરાંત કલાતમાં થયેલા આઈઈડી વિસ્ફોટે પાકિસ્તાન સરકાર અને સેનાની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે, ત્યારે આ ગંભીર ઘટના બાદ પાકિસ્તાન લશ્કરી વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ક્ષેત્રમાં ભારે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ હુમલાના માસ્ટરમાઇન્ડ્સની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
