તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
પીઓકેના નાગરિકોને 'નકલી કાશ્મીરી' ગણાવતા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પોતાના જ દેશમાં ખરાબ રીતે ઘેરાયા: ચારેતરફથી આકરા પ્રહારો શરૂ
જમ્મુ-કાશ્મીરના લોકોને પોતાની ઓળખ સાબિત કરવા માટે પાકિસ્તાની પ્રધાનના કોઈ પ્રમાણપત્રની જરૂર નથી, વિવાદાસ્પદ નિવેદન બદલ જાહેરમાં માફી માંગો: પાક અધિકૃત કાશ્મીર (PoK) ના વડાપ્રધાન ફૈઝલ મુમતાઝ રાઠોડનો લાલચોળ પ્રહાર

ઇસ્લામાબાદ : પોતાના બેજવાબદાર અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ આ વખતે પોતાના જ ઘરમાં જબરદસ્ત મુશ્કેલીમાં મુકાયા છે. પાક અધિકૃત કાશ્મીર (PoK) ના નાગરિકો અંગે કરેલી એક વાંધાજનક ટિપ્પણીને કારણે પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે અને સંરક્ષણ પ્રધાન વિરુદ્ધ દેશની અંદર જ ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે પીઓકેના રહીશોને 'અસલી કાશ્મીરી' ન ગણાવતા આ સમગ્ર વિવાદ સર્જાયો છે, જેના કારણે હવે પાકિસ્તાન સરકારે ભારે છોભીલા પડવું પડ્યું છે.
સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં આપેલા એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન બેજવાબદાર દાવો કર્યો હતો કે, 'પાક અધિકૃત કાશ્મીર (PoK) ના રાવલકોટ અને મીરપુર વિસ્તારમાં રહેતા લોકો અસલી કાશ્મીરી નથી.' સંરક્ષણ પ્રધાનના આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં જ પીઓકે સહિત સમગ્ર પાકિસ્તાનમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. પીઓકેના નેતાઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા આ ટિપ્પણીને કાશ્મીરી જનતાનું ઘોર અપમાન ગણાવવામાં આવી રહ્યું છે.
આ વિવાદાસ્પદ નિવેદન પર પાક અધિકૃત કાશ્મીર (PoK) ના 'વડાપ્રધાન' ફૈઝલ મુમતાઝ રાઠોડે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પાક સંરક્ષણ પ્રધાનને જડબાતોડ જવાબ આપતા રાઠોડે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના લોકોને પોતાની ઓળખ સાબિત કરવા માટે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ કે અન્ય કોઈ વ્યક્તિના કોઈ સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) ની બિલકુલ જરૂર નથી. તેમણે આસિફ જેવા વરિષ્ઠ નેતાઓની જૂની અને સંકુચિત માનસિકતા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આવા નેતાઓ અને તેમની હરકતો જનતાને નજીક લાવવાને બદલે તેમની વચ્ચે ભાગલા પાડવાનું અને પરસ્પર વેરભાવ વધારવાનું કામ કરી રહી છે.
ચારેબાજુથી ઘેરાયા બાદ અને ભારે આકરા વિરોધનો સામનો કરવો પડતા રઘવાયા બનેલા સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પોતાના નિવેદન પર સફાઈ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે નવો તર્ક રજૂ કરતા દાવો કર્યો હતો કે, કોઈ પણ વ્યક્તિની કાશ્મીરી ઓળખ તેના જન્મ પ્રમાણપત્રથી નહીં, પરંતુ વર્ષોના સંઘર્ષ અને આપેલા બલિદાનોથી નક્કી થાય છે. આ સાથે જ તેમણે પોતાની ભૂલ છુપાવવા માટે પીઓકેના વહીવટીતંત્ર અને શાસન વ્યવસ્થાની નિષ્ફળતાઓ તરફ આંગળી ચિંધીને મામલો ભટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
જોકે, સંરક્ષણ પ્રધાનની આ લૂલી સફાઈને પીઓકેના વડાપ્રધાને ફગાવી દીધી છે. ફૈઝલ મુમતાઝ રાઠોડે આસિફને આડે હાથ લેતા કહ્યું કે, 'માનનીય પ્રધાનજી, તમારા ઉચ્ચ અધિકારીઓને પૂછો, તેઓ તમને જણાવી દેશે કે અમે કેટલું શ્રેષ્ઠ શાસન ચલાવી રહ્યા છીએ. તમારા માટે વધુ સન્માનજનક બાબત એ રહેશે કે તમે મૂળ મુદ્દા પર વાત કરો અને પીઓકે શાસનને બલિનો બકરો બનાવવાનું બંધ કરીને પોતાના મૂળ વિવાદાસ્પદ નિવેદન બદલ તાત્કાલિક જાહેરમાં માફી માંગો.' હાલમાં આ મુદ્દે પાકિસ્તાન સરકાર ભારે બેકફૂટ પર આવી ગઈ છે અને વિપક્ષ સહિત સ્થાનિક સંગઠનો ખ્વાજા આસિફના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
