<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ઓપરેશન સિંદૂરના ભારે ફટકામાંથી પાકિસ્તાન હજુ બહાર આવ્યું નથી: LoC નજીક તબાહ થયેલી ચોકીઓનું સમારકામ ચાલુ

ભારતીય સર્વેલન્સ અને ડ્રોનથી બચવા ગાઢ જંગલોમાં નવા નાના કેમ્પ બનાવ્યા: આતંકી માળખું ફરી ઊભું કરવાની કવાયત

નવી દિલ્હી :  ભારતીય સેના અને વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન થયેલા ભયાનક નુકસાનમાંથી પાકિસ્તાન હજુ સુધી બહાર આવી શક્યું નથી. ઉચ્ચ સ્તરીય ગુપ્તચર સૂત્રોના અહેવાલો મુજબ, પાકિસ્તાન લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ભારતીય દળોના હુમલામાં નાશ પામેલી પોતાની લશ્કરી ચોકીઓનું સમારકામ કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ, મે ૨૦૨૫ માં તબાહ થયેલા આતંકવાદી માળખાને પણ ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભારતની અદ્યતન થર્મલ ઈમેજર્સ, ટ્રી-પેનિટ્રેટિંગ રડાર અને સેટેલાઇટ સર્વેલન્સની નજરથી બચવા માટે પાકિસ્તાને LoC નજીક ગાઢ જંગલોમાં નવા નાના કેમ્પ બનાવવાની યુક્તિ અપનાવી છે. આ કેમ્પો લુની, પુટવાલ, તૈપુ પોસ્ટ, જમીલા પોસ્ટ, ઉમરાણવાલી, છપરાર, ફોરવર્ડ કહુતા, છોટા ચક અને જંગલોરા જેવા વિસ્તારોમાં સ્થાપવામાં આવ્યા છે. આ નવા સ્થાપાયેલા કેમ્પોમાં થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ લગાવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

૧૦ મે, ૨૦૨૫ ના રોજ યુદ્ધવિરામ થયો હોવા છતાં, પાકિસ્તાનને આગામી બે મહિના સુધી ભારતીય સેનાના ગોળીબારનો સતત ડર રહ્યો હતો, જેના કારણે આ ચોકીઓનું સમારકામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં કામ ઝડપી બનાવાયું છે અને કેટલીક જગ્યાએ કામચલાઉ વ્યવસ્થાથી ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે. છતાં ઘણા વિસ્તારોમાં નુકસાનના નિશાન હજુ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ૭ મે, ૨૦૨૫ ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ૮૮ કલાક સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન ભારતીય દળોએ પાકિસ્તાન અને PoK માં સ્થિત જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ૯ આતંકવાદી શિબિરો તથા પાકિસ્તાનના ૧૧ એરબેઝને નિશાન બનાવ્યા હતા. જેમાં નૂર ખાન, સરગોધા, રફીકી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન, સ્કાર્દુ, ભોલારી અને જેકોબાદનો સમાવેશ થતો હતો.

પાકિસ્તાને બાદમાં પોતાના સત્તાવાર દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે ભારતે પેશાવર, ઝાંગ, ગુજરાત, બહાવલનગર, અટોક, હૈદરાબાદ અને સિંધના છોર સ્થિત અન્ય ૭ ઠેકાણાઓ પર પણ સફળ હુમલા કર્યા હતા. આ નુકસાન પામેલા ઠેકાણાઓ અને JF-17 તથા C-130 વિમાનોના સમારકામ માટે પાકિસ્તાનને કરોડો ડોલરના આંતરરાષ્ટ્રીય ટેન્ડરો બહાર પાડવાની ફરજ પડી હતી.

(5:58 PM IST)