હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિંધુ જળ વિવાદને પાકિસ્તાને હોર્મુઝ સ્ટ્રેટ સાથે જોડ્યો: ભારતના કડક વલણથી ઈસ્લામાબાદમાં ફફડાટ: પાણી મુદ્દે યુદ્ધની ધમકી
મે ૨૦૨૫થી ભારતે નદીઓનો ડેટા આપવાનું બંધ કરતાં પાકિસ્તાન અંધારામાં: ચેનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટથી ૧૯ લાખ એકર ફૂટ પાણી વાળવાની તૈયારી અને બિલાવલ ભુટ્ટોની લશ્કરી પ્રતિક્રિયાની ગર્જના

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વર્ષો જૂના સિંધુ જળ વિવાદે હવે એક અત્યંત ખતરનાક અને વ્યૂહાત્મક વળાંક લીધો છે. ભારતે મે ૨૦૨૫માં સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન સાથે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓના પાણીના પ્રવાહ અને સ્તરનો ગુપ્ત ડેટા શેર કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ડેટાના આ પ્રહારથી પાકિસ્તાનના જળ કમિશનર સૈયદ મેહર અલી શાહ ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે ઇસ્લામાબાદ હવે એ સમજી શકવા અસમર્થ છે કે નદીઓમાં પાણીનો આ ઘટાડો કુદરતી છે કે ભારત દ્વારા કોઈ મોટી યોજનાનો ભાગ છે. ઓગસ્ટ ૨૦૨૩થી બંને દેશો વચ્ચેની સત્તાવાર વાતચીત તૂટી ગઈ છે, જેનાથી પાકિસ્તાનની ૨૪ કરોડની વસ્તી પર અન્ન અને પાણીનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે.
પાકિસ્તાનનો સૌથી મોટો ડર ભારતનો 'ચેનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ' છે, જેના દ્વારા નવી દિલ્હી પાકિસ્તાન તરફ વહેતી પશ્ચિમી નદીઓમાંથી આશરે ૧૯ લાખ એકર ફૂટ પાણી ભારત તરફ વાળવાની મેગા યોજના પર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત વાવણીના સમયે પાણી રોકી રાખે છે અને લણણીના સમયે અચાનક પાણી છોડીને પૂરની સ્થિતિ પેદા કરે છે, જે પાણીને હથિયાર બનાવવાની સમાન છે. મરાલા બેરેજના નીચલા સ્તરના આઉટલેટ્સ ખુલી જવાથી ભારત પોતાની મરજી મુજબ પાણી નિયંત્રિત કરી શકે તેવી ક્ષમતા મેળવી ચૂક્યું છે, જેને પાકિસ્તાન તેની રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે સૌથી મોટો ખતરો માની રહ્યું છે.
આ જળ કટોકટીથી અકળાયેલા પાકિસ્તાની નેતાઓએ હવે આંતરરાષ્ટ્રીય મંચો પર કાગારોળ મચાવી દીધી છે અને ભારતને ગંભીર પરિણામોની ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ વિવાદની સરખામણી અમેરિકા-ઈરાન વચ્ચેના હોર્મુઝ દરિયાઈ વિવાદ સાથે કરીને લશ્કરી પ્રતિક્રિયાના સંકેત આપ્યા છે, તો આબોહવા પરિવર્તન મંત્રી મુસાદ્દીક મલિકે ભારતનું પાણી રોકનારાઓના "હાથ કાપી નાખવાની" ઉશ્કેરણીજનક ભાષા વાપરી છે. જો કે, વર્ષ ૨૦૨૫ અને તાજેતરમાં મે ૨૦૨૬માં આવેલી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતના ચુકાદાઓ છતાં ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. નવી દિલ્હીએ સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે "બોર્ડર પર આતંકવાદ અને નદીઓમાં પાણીની રાજદ્વારી સાથે-સાથે ચાલી શકે નહીં", જેણે ઇસ્લામાબાદના ઘમંડને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લો પાડી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
