<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

પાકિસ્તાન બરબાદીના આરે: રૂપિયો 300 ને પાર જશે, મોંઘવારીનો 'પરમાણુ બોમ્બ' ઝીંકાય તેવી દહેશત!

વૈશ્વિક તેલના ભડકે બળતા ભાવ અને દેવાના ડુંગર નીચે દબાયેલું પાકિસ્તાન આર્થિક ગર્તામાં : 85% ઉર્જા આયાત પર નિર્ભરતા પાકિસ્તાની અર્થતંત્રની કમર તોડશે : GDP વૃદ્ધિદર પણ ઘટવાની ભીતિ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનની જનતા માટે આગામી સમય અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે. 'ટોપલાઇન સિક્યોરિટીઝ'ના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાની રૂપિયો અમેરિકી ડોલર સામે રેકોર્ડબ્રેક નબળો પડીને 298 થી 300 ના સ્તરે પહોંચી શકે છે. મધ્ય-પૂર્વમાં વધતો તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં જો ઉછાળો આવશે, તો તેની સીધી અસર પાકિસ્તાનના ખાલી ખિસ્સા પર પડશે. અર્થશાસ્ત્રીઓના મતે, જો તેલના ભાવ પ્રતિ બેરલ $120 સુધી પહોંચશે, તો પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 11% ને પાર કરી જશે, જેનાથી સામાન્ય માણસ માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બનશે.

પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ તેની ઉર્જા આયાત પરની નિર્ભરતા છે. દેશ પોતાની જરૂરિયાતનું 85% ઇંધણ બહારથી ખરીદે છે, જેના કારણે આગામી વર્ષે તેનું પેટ્રોલિયમ બિલ $15 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ આર્થિક અનિશ્ચિતતાની અસર પાકિસ્તાની શેરબજાર પર પણ પડી છે, જેણે વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 15% નો મોટો ઘટાડો નોંધાવ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસદર 4% થી ઘટીને માત્ર 1% થવાની ધારણા છે, જેનો અર્થ છે કે હજારો લોકો બેરોજગાર થઈ શકે છે.

વિદેશી હૂંડિયામણના મોરચે પણ પાકિસ્તાન ઘેરાયેલું છે. વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા મોકલવામાં આવતા નાણાં (રેમિટન્સ) માં 10% નો ઘટાડો થવાની ભીતિ છે, જ્યારે નિકાસમાં પણ 4% નો ઘટાડો થઈ શકે છે. IMF ના લક્ષ્યોને પાર કરી ગયેલી રાજકોષીય ખાધ હવે પાકિસ્તાન સરકાર માટે ગળાનો ફાંસો બની રહી છે. હાલની પરિસ્થિતિમાં કોઈ મોટી રાહત દેખાતી નથી, અને જો કડક આયાત નિયંત્રણો લાદવામાં નહીં આવે, તો પાકિસ્તાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખાડામાં ડૂબી શકે છે.

(7:26 PM IST)