<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

અમેરિકી ડ્રોન ખરીદવાની તૈયારીમાં પાકિસ્તાન: સંરક્ષણ સોદામાં સામે આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રોનું કનેક્શન!

અમેરિકી કંપની પાવર્સ અને પાકિસ્તાની સેના વચ્ચે ડ્રોન સપ્લાયનો કરાર: મર્જર થનારી કંપનીમાં ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પનો હિસ્સો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો

ઇસ્લામાબાદ, તા.૧૭: પાકિસ્તાની સેના પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે અમેરિકાની એક સંરક્ષણ કંપની પાસેથી અત્યાધુનિક ડ્રોન ખરીદવાની મોટી તૈયારી કરી રહી છે. અમેરિકી કંપની 'પાવર્સ' (Powerus) અને પાકિસ્તાની આર્મી વચ્ચે ડ્રોનની ખરીદી અંગેનો પ્રારંભિક કરાર પણ થઈ ચૂક્યો છે. કંપનીના સહ-સ્થાપક બ્રેટ વેલિકોવિચે આ સોદાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ કરાર હેઠળ પાકિસ્તાનને ખાસ પ્રકારના અનમેન્ડ (માનવરહિત) ડ્રોન પૂરા પાડવામાં આવશે. સુરક્ષાના કારણોસર તેમણે આ સોદાની આર્થિક વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ડ્રોન હવા અને સમુદ્ર બંને ક્ષેત્રોમાં કામગીરી કરવા માટે સક્ષમ છે.

 

જોકે, આ સૈન્ય સોદામાં સૌથી વધુ ચર્ચાસ્પદ પાસું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનું કનેક્શન છે. અહેવાલો મુજબ, પાવર્સ કંપની ટૂંક સમયમાં જ 'ઓરિયસ ગ્રીનવે હોલ્ડિંગ્સ' (Aureus Greenway Holdings) નામની કંપની સાથે મર્જ થવા જઈ રહી છે અને આ ડીલ ઓક્ટોબરના પ્રારંભમાં પૂર્ણ થવાની ધારણા છે. અમેરિકી ફાઇલિંગના દસ્તાવેજો દર્શાવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો—ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ—'અમેરિકન વેન્ચર્સ' નામના રોકાણ ફંડ દ્વારા ઓરિયસ ગ્રીનવે હોલ્ડિંગ્સમાં મોટો હિસ્સો ધરાવે છે. આ મર્જર બાદ નવી બનનારી કંપનીમાં ટ્રમ્પ પરિવારના ફંડનો હિસ્સો લગભગ ૯.૯ ટકા જેટલો થઈ જશે.

 

આ ખુલાસા બાદ વૈશ્વિક રાજકારણમાં વિવાદ સર્જાતાં પાવર્સ કંપની અને ટ્રમ્પ પરિવારે તુરંત જ સ્પષ્ટતા કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સાથેના ડ્રોન કરારને ટ્રમ્પના પુત્રો સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ કંપનીના રોજિંદા વહીવટી કામકાજમાં પણ સામેલ નથી. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પ્રવક્તાએ પણ આ વાતનો ઇનકાર કરતાં જણાવ્યું છે કે, આ કરાર મેળવવાની પ્રક્રિયામાં ટ્રમ્પ જુનિયરની કોઈ ભૂમિકા નહોતી અને તેમને આ સોદા વિશે અગાઉથી કોઈ જાણકારી પણ નહોતી.

(5:14 PM IST)