<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

'પોતાના જ પાળેલા રાક્ષસથી પાકિસ્તાન ઘાયલ!': UN માં ભારતીય રાજદ્વારી અનુપમા સિંહના આકરા પ્રહારથી પાડોશી દેશ સન્ન

યુએનએચઆરસીના મંચ પરથી ભારતની પુત્રી અનુપમા સિંહે પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે ઉઘાડો પાડ્યો; કાશ્મીર મુદ્દે પડોશી દેશના ખોટા પ્રચારનો કર્યો પર્દાફાશ

નવી દિલ્હી, તા. 18 જૂન 2026: યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ના 62મા સત્રમાં શુક્રવારે ભારતની એક તેજસ્વી રાજદ્વારીએ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને એવી રીતે બેનકાબ કર્યો કે આખો વિશ્વ મંચ ચોંકી ઉઠ્યો. ભારતના પ્રથમ સચિવ (First Secretary) અનુપમા સિંહે પાકિસ્તાનને સીધું સંબોધતા કહ્યું કે, "તમે એવા 'ફ્રેન્કેસ્ટાઇન' છો જે પોતાના જ બનાવેલા રાક્ષસ દ્વારા ડંખાઈ રહ્યા છો અને હવે આશ્ચર્યચકિત થવાનો ડોળ કરી રહ્યા છો."
પાકિસ્તાનનો પર્દાફાશ: 'આતંકવાદ તમારી સરકારી નીતિ છે'
અનુપમા સિંહે પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું કે, "આ એક એવો દેશ છે જેના સંરક્ષણ પ્રધાન પોતે ખુલ્લેઆમ સ્વીકારે છે કે તેઓ આતંકવાદીઓને તાલીમ આપે છે અને તેમને આશ્રય આપે છે. એક તરફ તમે આતંકવાદની નર્સરી ચલાવો છો અને બીજી તરફ દુનિયા સામે 'આતંકવાદના શિકાર' હોવાનો ડોળ કરો છો? આ તમારી બેવડી નીતિ અને વિરોધાભાસ છે જેનું ઉદાહરણ માત્ર પાકિસ્તાન જ આપી શકે."
'કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે'
પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીઓને અનુપમા સિંહે સખત શબ્દોમાં નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે કહ્યું કે, "પાકિસ્તાન OIC ના મંચનો દુરુપયોગ કરીને પોતાની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવાનો અને ખોટો પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ગેરકાયદેસર રીતે ભારતીય પ્રદેશો પર કબજો કરીને બેઠું છે, તે જ એકમાત્ર વણઉકેલાયેલ મુદ્દો છે."
કોણ છે અનુપમા સિંહ?
આ આક્રમક અને સચોટ ભાષણ આપનાર અનુપમા સિંહ મૂળભૂત રીતે ભારતીય વિદેશ સેવા (IFS) ના અધિકારી છે. વિદેશ સેવાના આ અત્યંત જવાબદાર ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા, તેમણે કોર્પોરેટ જગતમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. પ્રતિષ્ઠિત KPMG કંપનીમાં બે વર્ષથી વધુ સમય સુધી સલાહકાર તરીકે કામ કરવાનો તેમનો અનુભવ છે. અનુપમા સિંહે મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક અને દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (FMS) માંથી ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે.
અનુપમા સિંહનું આ પ્રવચન પાકિસ્તાન માટે એક મોટો રાજદ્વારી ઝટકો માનવામાં આવી રહ્યો છે. ભારતે વૈશ્વિક મંચ પર ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આતંકવાદ સામેની લડાઈમાં અત્યંત મક્કમ છે અને પાકિસ્તાનના દરેક ખોટા પ્રચારનો જવાબ આપવા સક્ષમ છે.

(4:00 PM IST)