News of Thursday, 5th November 2026
પીઓકેમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર: ડ્રોન હુમલા અને ગોળીબારમાં ૩ નાગરિકોના મોત, ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ
રાવલકોટમાં નાગરિકોના ઘરોને નિશાન બનાવી સેનાએ આચર્યો દમનનો દોર, ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ ઠપ થવા છતાં લોકો રસ્તા પર ઉતરી કરી રહ્યા છે વિરોધ

રાવલકોટ, તા.૦૫: પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં (PoK) પાકિસ્તાની સેના દ્વારા નાગરિકો પર અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ રાવલકોટના ઊમર ફારૂક ચોક વિસ્તારમાં ગુરુવારે સવારે પાકિસ્તાની સેનાએ રહેવાસી વિસ્તારો પર ડ્રોનથી હુમલા અને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૩ નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે જ્યારે ૧૮ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પાકિસ્તાની સૈનિકો દ્વારા ગુરુવારે સવારથી જ જાણીજોઈને નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ અને સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અનેક ઘરોમાં ભીષણ આગ લાગેલી જોવા મળે છે અને લોકો ગોળીબારના શાર્પનેલના ટુકડા બતાવીને સેનાના આતંક સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
જૂન ૨૦२૬માં વિરોધ પ્રદર્શનો શરૂ થયા બાદથી પાકિસ્તાની સેનાના દમનમાં અત્યાર સુધીમાં ૧૫૩ થી વધુ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ તાજેતરના હુમલા બાદ સમગ્ર રાવલકોટ શહેરમાં ભારે ભય અને અરાજકતાનો માહોલ છવાઈ ગયો છે, છતાં નાગરિકો પોતાના અધિકારો માટે ડર્યા વગર રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવાના હેતુથી સરકારી તંત્ર દ્વારા રાવલકોટ વિસ્તારમાં તમામ મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જેથી બહારની દુનિયા સુધી હકીકતો ન પહોંચી શકે. સ્થાનિક જનતાનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ સેનાના આ દમન સામે કોઈપણ સંજોગોમાં ઝૂકશે નહીં અને પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે.
આ આંદોલન માત્ર પાયાની જરૂરિયાતો પૂરતું સીમિત નથી, પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા વિધાનસભામાં સ્થાનિક પ્રતિનિધિત્વ, પોતાના કુદરતી સંસાધનો પર પૂર્ણ અધિકાર અને વહીવટી સ્વાયત્તતાની પણ પ્રબળ માંગ કરવામાં આવી રહી છે, જે પાકિસ્તાન સરકાર માટે મોટો પડકાર બની રહી છે.
આગામી સમયમાં આ ક્ષેત્રની સ્થિતિ વધુ તંગ બની શકે છે કારણ કે સેના દ્વારા સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે અને નાગરિકો પણ પોતાના હકો માટે મક્કમ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પીઓકેના આ માનવાધિકાર ઉલ્લંઘન સામે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
