<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજ સાથે અથડાયું પાકિસ્‍તાની નેવીનું જહાજ

ભારતે નોંધાવ્‍યો ઉગ્ર વિરોધઃ પાકિસ્‍તાન ઉચ્‍ચાયુક્‍તને તેડું ૧૯૯૧ના સૈન્‍ય કરારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘનઃ આંતરરાષ્‍ટ્રીય જળસીમામાં પાકિસ્‍તાની નૌકાદળના વર્તન સામે ભારતની લાલ આંખ


 

નવી દિલ્‍હી, તા.૧૬: અરબી સમુદ્રના મધ્‍ય ભાગમાં ભારત અને પાકિસ્‍તાનની નૌકાદળો વચ્‍ચે એક મોટી અને ગંભીર ઘટના સામે આવી છે, જ્‍યાં પાકિસ્‍તાની નૌકાદળના જહાજની ગેરજવાબદાર અને અવ્‍યાવસાયિક હરકતના કારણે ભારતીય યુદ્ધ જહાજ સાથે તેની અથડામણ થઈ હતી. આ ખતરનાક દરિયાઈ ટક્કર બાદ નવી દિલ્‍હી સ્‍થિત સાઉથ બ્‍લોકમાં હિલચાલ તેજ થઈ ગઈ છે અને ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્‍તાનના ઉચ્‍ચાયુક્‍તને તાત્‍કાલિક તેડું મોકલીને આકરી નારાજગી અને સખત વિરોધ નોંધાવ્‍યો છે. જોકે સદભાગ્‍યે આ દુર્ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ભારત સરકારે આ ઘટનાને અત્‍યંત ગંભીરતાથી લેતા પાકિસ્‍તાનને ભવિષ્‍યમાં આવા ગંભીર ચેડાં ન કરવા માટે સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, પાકિસ્‍તાની નૌકાદળનું આ અવિચારી વર્તન એપ્રિલ ૧૯૯૧માં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે થયેલા લશ્‍કરી કવાયતો અને સૈનિકોની હિલચાલ અંગેના દ્વિપક્ષીય કરારની કલમ ૧૦નું સીધું અને ખુલ્લું ઉલ્લંઘન છે. આ ઐતિહાસિક કરાર હેઠળ બંને પરમાણુ સશષા દેશોએ સમુદ્રમાં પેટ્રોલિંગ કે કવાયત વખતે કોઈપણ અનિચ્‍છનીય ટક્કર કે જોખમ ટાળવા માટે અગાઉથી સૂચના આપવી અને પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય છે. પાકિસ્‍તાની જહાજે આંતરરાષ્‍ટ્રીય જળસીમાના આ તમામ નિયમો અને શિષ્ટાચારને નેવે મૂકીને જે પ્રકારે ભારતીય ફ્રન્‍ટલાઈન યુદ્ધ જહાજની નજીક આવી જોખમ સર્જ્‍યું, તેણે પાકિસ્‍તાની સેનાની માનસિકતા પર ગંભીર સવાલો ખડા કર્યા છે.

 આ ઘટનાએ બંને દેશો વચ્‍ચે પહેલેથી જ તણાવપૂર્ણ બનેલા સંબંધોમાં વધુ એક તણાવની આગં ઝાંખી કરાવી દીધી છે. સરહદ પારથી ચાલતા આતંકવાદ અને અગાઉના અનેક સૈન્‍ય સંઘર્ષોના ઇતિહાસ વચ્‍ચે દરિયાઈ ક્ષેત્રે આવા છમકલાં શાંતિ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. ભારતે કડક સંદેશ આપ્‍યો છે કે બંને દેશોના સૈન્‍ય એકમોએ પરસ્‍પર સંમતિ પામેલા શાંતિ કરારો અને પ્રોટોકોલનું સન્‍માન કરવું જ પડશે. આ મામલે ભારતે ઇસ્‍લામાબાદમાં પણ પોતાના રાજદૂત દ્વારા સત્તાવાર વિરોધ નોંધાવ્‍યો છે, જે દર્શાવે છે કે ભારત પોતાના સૈનિકો અને દરિયાઈ સુરક્ષાની બાબતમાં જરાયી નરમાઈના મૂડમાં નથી.

(3:55 PM IST)