<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ભારત સામે પાકિસ્તાનનું લોહિયાળ ‘પ્રોક્સી વોર’: પહેલગામ આતંકવાદી હુમલાની NIA ચાર્જશીટમાં સરહદ પારના 25 વર્ષ જૂના ખતરનાક ષડયંત્રોનો પર્દાફાશ

લશ્કર-એ-તૈયબા અને TRFના આતંકી નેટવર્કની ઊંડી તપાસમાં 1,597 પાનાના દસ્તાવેજોએ ખોલ્યા પાકિસ્તાની હેન્ડલર્સના કરતૂતો, હાઇબ્રિડ આતંકવાદ અને સ્થાનિક સ્લીપર સેલ દ્વારા દેશને અસ્થિર કરવાના ખતરનાક પ્લાનનો ખુલાસો

પહેલગામ:નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પહેલગામ આતંકવાદી હુમલા અંગે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટે ભારત વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા ખેલાતા દાયકાઓ જૂના છૂપા યુદ્ધની કાળી કકથાને ફરી એકવાર દુનિયા સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. 15 ડિસેમ્બર, 2025ના રોજ રજૂ કરાયેલા 1,597 પાનાના આ ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 26 નિર્દોષોના જીવ લેનારી આ ઘટના કોઈ છૂટીછવાઈ હિંસા નહોતી, પરંતુ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ સંગઠન TRF દ્વારા રચાયેલું એક સુનિયોજિત ષડયંત્ર હતું. તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર્સ ધાર્મિક ઓળખના આધારે ટાર્ગેટ કિલિંગ કરીને સમાજમાં વિભાજન અને ભય પેદા કરવા માટે 'હાઇબ્રિડ આતંકવાદ'ના નવા મોડેલનો ઉપયોગ કરી રહ્યા છે.

આ ચાર્જશીટમાં સાત મુખ્ય આરોપીઓના નામ સામેલ છે, જેમાંથી ત્રણ પાકિસ્તાની આતંકીઓ ફૈઝલ જટ્ટ, હબીબ તાહિર અને હમઝા અફઘાની અગાઉ જ 'ઓપરેશન મહાદેવ' દરમિયાન સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. NIAએ તપાસમાં એ વાત પર પણ ભાર મૂક્યો છે કે આતંકવાદની આ નવી પેટર્નમાં સ્થાનિક સહાયકોની ભૂમિકા અત્યંત ચિંતાજનક છે. ધરપકડ કરાયેલા બે સ્થાનિક મદદગારો, પ્રવેઝ અને બશીરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સરહદ પારથી આતંકીઓને તાલીમ અને ભંડોળ આપવા ઉપરાંત ઓપરેશનલ સૂચનાઓ પણ સીધી પાકિસ્તાનથી મળતી હતી. આ ઘટસ્ફોટ ૨૦૦૧ના સંસદ હુમલાથી લઈને ૨૦૧૯ના પુલવામા સુધીની તમામ મોટી ઘટનાઓમાં જોવા મળતી એકસમાન પેટર્નને પુષ્ટિ આપે છે.

ભારત હવે આ ચાર્જશીટનો ઉપયોગ FATF અને સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને રાજદ્વારી રીતે ઘેરવા માટે કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ અને આગામી સંયુક્ત કમાન્ડરોની કોન્ફરન્સ પહેલા, ભારતીય સુરક્ષા એજન્સીઓએ લશ્કરી કાર્યવાહીની સાથે સાથે કાનૂની પુરાવાઓ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દેશના આર્થિક કેન્દ્રો અને પર્યટન સ્થળોને નિશાન બનાવીને ભારતની વ્યવસ્થાને લકવાગ્રસ્ત કરવાના પાકિસ્તાની મનસૂબાનો જવાબ આપવા માટે હવે બ્રહ્મોસ મિસાઇલની જમાવટ અને સરહદી વિકાસ પ્રોજેક્ટ્સ જેવા ત્રિ-સ્તરીય વ્યૂહરચના પર કામ કરવામાં આવી રહ્યું છે.

(2:45 PM IST)