<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

પાકિસ્તાનની નાપાક કરતૂત પર યુએન લાલચોળ: ઐતિહાસિક તક્ષશિલા સાથે ચેડાં કરવા બદલ મળી આખરી ચેતવણી, કહ્યું- 'કાં તો ગેરકાયદે બાંધકામ હટાવો, નહીં તો ગ્લોબલ ડેન્જર લિસ્ટમાં નાખી દઈશું!'

વૈદિક કાળ અને રામાયણ-મહાભારત સાથે જોડાયેલી પ્રાચીન ધરોહર મોહરા મોરાડુ અને સિરકપમાં આધુનિક સિમેન્ટ-પથ્થરો ઠાંસીને અસલી ઓળખ ભૂંસવાનો પ્રયાસ; યુનેસ્કોએ પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું

ઇસ્લામાબાદ : પ્રાચીન હિન્દુ ઇતિહાસ અને દક્ષિણ એશિયાના સૌથી ગૌરવશાળી પુરાતત્વીય વારસા સમાન 'તક્ષશિલા' (Taxila) ના ઐતિહાસિક અસ્તિત્વને મિટાવવાના પાકિસ્તાનના પ્રયાસો પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. યુએનની સાંસ્કૃતિક પાંખ 'યુનેસ્કો' (UNESCO) એ પાકિસ્તાન સરકારને સત્તાવાર ચેતવણી આપતા જણાવ્યું છે કે, તક્ષશિલાના બે અતિ મહત્વના ઐતિહાસિક સ્થળો પર કરવામાં આવેલા ગેરકાયદેસર અને બિનજરૂરી 'રી-કન્સ્ટ્રક્શન' (પુનઃનિર્માણ) ને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે. જો પાકિસ્તાન આ આધુનિક બાંધકામ પાછું નહીં ખેંચે, તો આ વૈશ્વિક ધરોહરને યુનેસ્કોની પ્રતિષ્ઠિત યાદીમાંથી હટાવીને સીધી 'વર્લ્ડ હેરિટેજ ઇન ડેન્જર' (જોખમની સૂચિ) માં ધકેલી દેવામાં આવશે.
રામાયણ-મહાભારતના કાળ સાથે જોડાયેલો છે તક્ષશિલાનો ઇતિહાસ
તક્ષશિલા માત્ર એક પુરાતત્વીય સ્થળ નથી, પરંતુ સનાતન હિન્દુ ઇતિહાસ અને વૈદિક કાળનું એક જીવંત પ્રતીક છે. હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાં પણ આ ભવ્ય શહેરનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. રામાયણ અનુસાર, ભગવાન શ્રીરામના ભાઈ ભરતે પોતાના પુત્ર 'તક્ષ' ના નામ પરથી આ નગર વસાવ્યું હતું, જે પાછળથી વિશ્વભરમાં જ્ઞાન અને વિજ્ઞાનનું સૌથી મોટું કેન્દ્ર (તક્ષશિલા યુનિવર્સિટી) બન્યું. આવા પવિત્ર અને પ્રાચીન સ્થળની મૂળ ઓળખ નષ્ટ કરવાનો પાકિસ્તાનનો કારસો હવે ખુલ્લો પડી ગયો છે.
વ્હિસલબ્લોઅરે ફોટોગ્રાફ્સ જાહેર કરતાં પાકિસ્તાનની પોલ ખુલી
આ આખો વિવાદ આ વર્ષે માર્ચ મહિનામાં શરૂ થયો હતો, જ્યારે એક જાગૃત વ્હિસલબ્લોઅરે ફ્રાન્સના પેરિસ સ્થિત યુનેસ્કો હેડક્વાર્ટર સાથે કેટલાક ચોંકાવનારા ફોટા અને પુરાવા શેર કર્યા હતા. આ તસવીરોમાં સ્પષ્ટ દેખાતું હતું કે પાકિસ્તાનના પંજાબ પુરાતત્વ વિભાગ દ્વારા તક્ષશિલાના બે પ્રમુખ સ્થળો—'મોહરા મોરાડુ' અને 'સિરકપ' માં રીપેરિંગના નામે જૂની ઐતિહાસિક દિવાલો તોડીને નવી આધુનિક દિવાલો ચણવામાં આવી રહી હતી. કાચી-પાકી અને અસમાન કદની પ્રાચીન પથ્થરની દિવાલોની જગ્યાએ એક જ સરખા આકારના ચમકતા આધુનિક પથ્થરો અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી આ પૌરાણિક સાઇટની વાસ્તવિકતા અને અખંડિતતા જોખમાઈ ગઈ છે.
યુનેસ્કોની ટીમની તપાસમાં મોટો ખુલાસો: વિવાદ વધતાં ગયા મહિને યુનેસ્કો અને પાકિસ્તાનના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ્સ (DOAM) ની સંયુક્ત ટેકનિકલ ટીમે તક્ષશિલા મ્યુઝિયમ અને આ સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તપાસ બાદ તૈયાર કરાયેલા અહેવાલમાં પુરાતત્વીય વારસાને થયેલા નુકસાનની ગણતરી કરવામાં આવી છે અને બાંધકામ પહેલા તથા પછીના ફોટોગ્રાફ્સ પણ જોડવામાં આવ્યા છે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય યુનેસ્કોના વૈશ્વિક નિયમોનું ગંભીર અને અક્ષમ્ય ઉલ્લંઘન છે.
વર્લ્ડ હેરિટેજનો દરજ્જો છીનવાઈ જવાનો મોટો ખતરો
યુનેસ્કોએ પાકિસ્તાની અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે વૈશ્વિક ધરોહરની ગરિમા જાળવવામાં પાકિસ્તાન સદંતર નિષ્ફળ રહ્યું છે. જો આગામી દિવસોમાં આ નવું બાંધકામ તોડીને સાઇટને તેના મૂળ સ્વરૂપમાં લાવવાના પ્રયાસો શરૂ નહીં કરાય, તો યુનેસ્કો આ ઐતિહાસિક સ્થળ પરથી પોતાનો હાથ ખેંચી લેશે. અગાઉ પણ પાકિસ્તાનમાં ૧૨૫ વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારાના માળખા સાથે ચેડાં થતાં ભારે હોબાળો મચ્યો હતો, ત્યારે તક્ષશિલા જેવી અમૂલ્ય ધરોહર સાથેની આ રમત પાકિસ્તાનની સંસ્કૃતિ પ્રત્યેની નકારાત્મક માનસિકતા ફરી એકવાર વિશ્વ સામે છતી કરે છે.

(8:42 PM IST)