News of Friday, 17th July 2026
મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે પાકિસ્તાનનો નવો દાવ: સાઉદી બાદ હવે કુવૈત સાથે મોટા સંરક્ષણ કરારની તૈયારી
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની વચ્ચે કુવૈતે પાકિસ્તાન પાસે ફાઈટર જેટ, ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ સહિત હજારો સૈનિકોની તૈનાતી માંગી : બદલામાં ઈસ્લામાબાદ ઈંધણ સુરક્ષા અને આર્થિક રોકાણ મેળવવા માટે આતુર

કુવૈત : મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય તણાવની સીધી અસર હવે ખાડી દેશોની સુરક્ષા નીતિઓ પર દેખાઈ રહી છે. તાજેતરમાં ઈરાન દ્વારા કુવૈત અને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે. સાઉદી અરેબિયા સાથે અગાઉથી જ પરસ્પર સંરક્ષણ કરાર હોવા છતાં આ હુમલાઓ રોકવામાં પાકિસ્તાન કોઈ સક્રિય ભૂમિકા ભજવી શક્યું નથી, જે બાદ તેની અસરકારકતા પર સવાલો ઉભા થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે, રોઇટર્સના અહેવાલ મુજબ, હવે કુવૈત પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે પાકિસ્તાન સાથે એક વ્યાપક અને મોટા સંરક્ષણ કરાર માટે પ્રારંભિક વાટાઘાટો ચલાવી રહ્યું છે.
કુવૈતની ઈચ્છા છે કે પાકિસ્તાન સાથેનો આ નવો કરાર સાઉદી અરેબિયા જેવો જ મજબૂત હોય, જેમાં જરૂર પડ્યે પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને હજારો સૈનિકો કુવૈતની ધરતી પર તૈનાત કરી શકાય. વર્ષ 2023થી બંને દેશો વચ્ચે માત્ર સંયુક્ત સૈન્ય તાલીમ પૂરતો જ મર્યાદિત કરાર હતો, પરંતુ વર્તમાન ઈરાની જોખમને જોતા કુવૈત હવે પાકિસ્તાન પાસેથી મોટી સૈન્ય મદદ ઈચ્છી રહ્યું છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓએ હાલ તુરંત લડાયક સૈનિકો મોકલવાની શક્યતાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે, કારણ કે સાઉદી સાથેનો તેમનો કરાર દાયકાઓ જૂની મિત્રતાનું પરિણામ હતો અને અત્યારે કોઈ નવો મોરચો ખોલવો પાકિસ્તાન માટે જોખમી સાબિત થઈ શકે છે.
બીજી તરફ, આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન આ સંરક્ષણ સહયોગના બદલામાં કુવૈત પાસેથી મોટી કિંમત વસૂલવા માંગે છે. ઈસ્લામાબાદ આ ડીલના બદલામાં પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા અને દેશમાં મોટું આર્થિક રોકાણ લાવવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. કુવૈત પાકિસ્તાનમાં એક મોટો 'બોન્ડેડ ફ્યુઅલ સ્ટોરેજ' (બળતણ સંગ્રહ ક્ષમતા) ઊભો કરવા માટે પણ વિચારણા કરી રહ્યું છે, જેનાથી પાકિસ્તાનને સસ્તા ડીઝલ અને ઓઈલનો પુરવઠો સતત મળતો રહેશે. જો આ કરાર સફળ થશે, તો મિડલ ઈસ્ટના પાવર ઇક્વેશન બદલાશે અને તેની અસર દક્ષિણ એશિયા સહિત ભારતની સુરક્ષા ચિંતાઓ પર પણ પડી શકે છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
