<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

FATFની બેઠક પહેલાં પાકિસ્તાનની વધુ એક નવી ડ્રામાબાજી: આતંકી મસૂદ અઝહર પર ૭૦ લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કર્યું, FIAની 'રેડ બુક'માં નામ સામેલ

ગ્રે લિસ્ટથી બચવાના પ્રતીકાત્મક પ્રયાસો વચ્ચે પાકિસ્તાની દાવાઓનો પર્દાફાશ; અફઘાનિસ્તાનમાં હોવાનો દાવો ફેક સાબિત થયો, સિંધના નવાબશાહમાં છુપાયો હોવાના ભારતીય ગુપ્તચર સંસ્થાઓના સંકેત

ઈસ્લામાબાદ, તા.૧૪: આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની મહત્વપૂર્ણ બેઠક (પ્લેનરી) પહેલાં પાકિસ્તાને વિશ્વની આંખમાં ધૂળ નાખવા માટે વધુ એક નવો પેંતરો અજમાવ્યો છે. પાકિસ્તાન સરકારની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ જૈશ-એ-મોહમ્મદના વડા અને સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયેલા મસૂદ અઝહરનું નામ પોતાની 'રેડ બુક' (સૌથી વધુ વોન્ટેડ આતંકવાદીઓની યાદી)માં સામેલ કર્યું છે. આ સાથે જ તેની ધરપકડમાં મદદરૂપ થાય તેવી સચોટ માહિતી આપનાર વ્યક્તિ માટે ૭૦ લાખ પાકિસ્તાની રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

 

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે, FATFના ટેરર ફાઈનાન્સિંગ અને મની લોન્ડરિંગ સંબંધિત સખત માપદંડોમાંથી બચવા માટે ઈસ્લામાબાદે આ માત્ર એક પ્રતીકાત્મક કાર્યવાહી (Show-off) કરી છે. પાકિસ્તાનનો ભૂતકાળનો રેકોર્ડ હંમેશા આતંકવાદીઓને સરકારી આશ્રય અને સુરક્ષા પૂરી પાડવાનો રહ્યો છે. પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠ કોઈનાથી છૂપી નથી, જેના કારણે આતંકવાદી નેટવર્કને તોડી પાડવાની પાકિસ્તાનની દાનત પર વિશ્વભરમાંથી ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

 

ઈસ્લામાબાદ સરકારે અગાઉ એવો બહાનો બનાવ્યો હતો કે મસૂદ અઝહર દેશમાંથી ગુમ થઈ ગયો છે અને તે અફઘાનિસ્તાનમાં છુપાયેલો હોવાની શંકા છે. જોકે, અફઘાનિસ્તાનના તાલીબાન શાસને પાકિસ્તાનના આ દાવાઓને સરેઆમ ફગાવી દીધા હતા. નોંધનીય છે કે, જુલાઈ ૨૦૨૫માં અઝહર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં જોવા મળ્યો હતો, જે તેના મૂળ ગઢ બહાવલપુરથી ૧,૦૦૦ કિલોમીટર દૂર છે. દરમિયાન, ભારતીય ગુપ્તચર એજન્સીઓના ટેકનિકલ એનાલિસિસ મુજબ આતંકી અઝહર હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ શહેરમાં સુરક્ષિત રીતે છુપાયેલો હોવાના અહેવાલ મળ્યા છે.

 

નોંધનીય છે કે, પાકિસ્તાને અઝહર પર ઈનામ જાહેર કર્યું હોય તેવી આ પહેલી ઘટના નથી; આ પહેલાં ૨૦૨૧માં પણ FIAએ તેના પર ૫૦ લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. FIAની આ નવી 'રેડ બુક'માં ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલામાં મદદ કરનારા, આર્થિક ભંડોળ પૂરું પાડનારા અને હુમલાખોરોની બોટ ચલાવવામાં મદદ કરનારા અન્ય ૧૯ ખતરનાક આતંકવાદીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

(4:55 PM IST)