News of Monday, 20th July 2026
સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની નવી આંતરરાષ્ટ્રીય દાવેદારી: ભારતના કડક સસ્પેન્શન બાદ ગભરાયેલા પાકે હવે કેનેડા પાસે માંગી મદદ, ઇશાક ડારે ઉઠાવ્યો જળ વિવાદનો મુદ્દો!
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ૧૯૬૦ની ઐતિહાસિક સંધિ કરી દીધી છે સ્થગિત; કેનેડાના વિદેશ પ્રધાન અનિતા આનંદની ઇસ્લામાબાદ મુલાકાત દરમિયાન પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના હવાતિયાં માર્યા

ઇસ્લામાબાદ: વૈશ્વિક મંચ પર એકલવાયા પડી ગયેલા પાકિસ્તાને હવે ભારત સાથેના તેના દાયકાઓ જૂના પાણીના વિવાદમાં કેનેડાને વચ્ચે લાવવાનો નવો દાવ ખેલ્યો છે. સોમવારે પાકિસ્તાનની મુલાકાતે આવેલા કેનેડાના વિદેશ પ્રધાન અનિતા આનંદ (Anita Anand) સાથેની હાઈ-લેવલ બેઠક દરમિયાન પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે (Ishaq Dar) એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સિંધુ જળ સંધિ (Indus Waters Treaty - IWT) નો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. પાકિસ્તાને કેનેડા સમક્ષ વિનંતી કરી છે કે તે ભારત દ્વારા સ્થગિત કરાયેલી આ ઐતિહાસિક જળ સંધિને પુનઃસ્થાપિત કરવા માટે ઇસ્લામાબાદને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન આપે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ભીંસ વધારી
વર્ષ ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંક (World Bank) ની મધ્યસ્થતાથી આ ઐતિહાસિક સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ અંતર્ગત સિંધુ બેસિનની ૬ મુખ્ય નદીઓમાંથી પૂર્વીય નદીઓ ભારતને અને પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને ફાળવવામાં આવી હતી. જો કે, એપ્રિલ ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત નીપજ્યા બાદ ભારતે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું. નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં આ સંધિને સ્થગિત (Suspend) કરી દીધી હતી અને જાહેરાત કરી હતી કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી સંગઠનો સામે નક્કર અને વિશ્વસનીય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન હટાવવામાં આવશે નહીં.
ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં પાણી માટે ફફડાટ
ભારતના આ આકરા પ્રહારથી પાકિસ્તાનની કૃષિ અને પાણી પુરવઠા વ્યવસ્થા પર ભારે સંકટના વાદળો ઘેરાયા છે. કેનેડાના વિદેશ પ્રધાન સમક્ષ રડતાં રોતાં ઇશાક ડારે દાવો કર્યો હતો કે, "ભારતે સિંધુ જળ સંધિ એકપક્ષીય રીતે સ્થગિત કરીને દક્ષિણ એશિયાની પહેલેથી જ અસ્થિર સુરક્ષા પરિસ્થિતિમાં એક નવો ખતરનાક વળાંક ઉમેર્યો છે." તેમણે ભારત પર 'પાણીનું શસ્ત્રીકરણ' (Water Weaponization) કરવાનો આરોપ લગાવતા ઉમેર્યું કે, પાકિસ્તાન કેનેડા સહિતના તેના તમામ મિત્ર દેશો પાસે અપીલ કરે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને પ્રથાઓનું પાલન કરાવવા ભારત પર દબાણ લાવે.
કેનેડાના વલણ પર વિશ્વની નજર
પાકિસ્તાન હાલમાં બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવેલા કેનેડાના પ્રતિનિધિમંડળ સમક્ષ કાશ્મીર અને જળ વિવાદના રાગ આલાપીને પોતાની નબળી આર્થિક અને રાજકીય સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આતંકવાદ મુદ્દે ભારતની આકરી નીતિ સામે કેનેડા પાકિસ્તાનને આ મામલે કેટલી હદે ટેકો આપશે, તેના પર આંતરરાષ્ટ્રીય રાજદ્વારી નિષ્ણાતોની આતુર નજર મંડાયેલી છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
