<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

પાકિસ્તાનનો નવો માસ્ટરપ્લાન: 'ઇસ્લામિક ક્વાડ' દ્વારા એશિયા અને મધ્ય પૂર્વમાં સત્તાનું સમીકરણ બદલવાની તૈયારી!

સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કી સાથે મળીને નવું શક્તિશાળી જૂથ બનાવવા પાકિસ્તાનની મથામણ: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાયેલી ગુપ્ત બેઠકો અને સુરક્ષા રણનીતિનો ખેલ

ઇસ્લામાબાદ:  વૈશ્વિક રાજનીતિના ફલક પર પાકિસ્તાન હવે એક એવો જુગાર રમી રહ્યું છે જે મધ્ય પૂર્વના દેશોની સત્તાનું સંતુલન ખોરવી શકે છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના 'ક્વાડ'ની જેમ જ, પાકિસ્તાન હવે સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કી સાથે મળીને 'ઇસ્લામિક ક્વાડ' રચવાની પેરવીમાં છે. આ કોઈ સામાન્ય સમજૂતી નથી, પરંતુ પડદા પાછળ ચાલી રહેલી એક અત્યંત વ્યૂહાત્મક રમત છે. ઇસ્લામાબાદના ગલિયારાઓમાં જે રીતે બેકચેનલ ડિપ્લોમસી તેજ થઈ છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે પાકિસ્તાન પરંપરાગત સંગઠનોથી અલગ થઈને પોતાનું એક નવું શક્તિ કેન્દ્ર સ્થાપિત કરવા માંગે છે.

આ પ્રસ્તાવિત જોડાણ પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં સળગી રહેલી અસ્થિરતા છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવે આ ચાર દેશોને એક મંચ પર આવવા મજબૂર કર્યા છે. તાજેતરમાં ઇસ્લામાબાદમાં થયેલી હાઈ-પ્રોફાઈલ બેઠક, જેમાં તુર્કી અને સાઉદીના ટોચના અધિકારીઓ હાજર હતા, તે આ વાતની પુષ્ટિ કરે છે કે હવે વાત માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત નથી રહી. આ જૂથનો ઈરાદો માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ આર્થિક અને લશ્કરી ક્ષેત્રે એકબીજાના પૂરક બનીને વિશ્વના આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી રાખવાનો છે.

જો આ 'ઇસ્લામિક ક્વાડ' અસ્તિત્વમાં આવે છે, તો તે પાકિસ્તાન માટે સંકટ સમયની સાંકળ સમાન સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ જોડાણ દ્વારા પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના લશ્કરી સંબંધો વધુ ગાઢ બનશે, જેની સીધી અસર દક્ષિણ એશિયાની સુરક્ષા પર પણ પડી શકે છે. તુર્કીના અંતાલ્યામાં યોજાનારી આગામી બેઠક આ યોજના પર આખરી મહોર મારી શકે છે. શું પાકિસ્તાન આ નવા જૂથ દ્વારા મુસ્લિમ દેશોના અઘોષિત નેતા બનવા તરફ ડગ માંડી રહ્યું છે? આ પ્રશ્ન અત્યારે વિશ્વના રાજદ્વારીઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે.

(6:19 PM IST)