તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
અરબી સમુદ્રમાં પાકિસ્તાનની નવી નાપાક ચાલ: ચીન નિર્મિત હંગોર ક્લાસ સબમરીનમાંથી ક્રૂઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, હિંદ મહાસાગરમાં તણાવ વધ્યો
એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેકનોલોજીથી સજ્જ PNS હંગોરે દરિયાની અંદરથી છોડી એન્ટી-શિપ મિસાઈલ: પાકિસ્તાની નેવી ચીફ એડમિરલ નવીદ અશરફની હાજરીમાં કરાયું શક્તિ પ્રદર્શન.

ઇસ્લામાબાદ, તા.૨૨: અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની લશ્કરી ક્ષમતા વધારવા અને ભારતીય નૌકાદળ સામે પડકાર ઊભો કરવાના ઈરાદાથી પાકિસ્તાની નેવીએ એક મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાને ચીન દ્વારા વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલી પોતાની અત્યાધુનિક 'હંગોર ક્લાસ' (PNS/M HANGOR) સબમરીનમાંથી પહેલીવાર લાઈવ ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ચીનની સહાયથી મેળવેલી આ સબમરીન ટૂંક સમયમાં જ પાકિસ્તાની નૌકાદળમાં સંપૂર્ણપણે સક્રિય (ઓપરેશનલ) થવાની તૈયારીમાં છે, જેને લઈને દક્ષિણ એશિયાના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા સામે નવા પ્રશ્નો ઊભા થયા છે.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ 'ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ' (ISPR) ના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં યોજાયેલી આ લાઈવ ફાયરિંગ ડ્રિલ દરમિયાન હંગોર ક્લાસ સબમરીનમાંથી લાંબા અંતર સુધી સચોટ નિશાન સાધી શકતી એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી હતી. આ મિસાઈલે નિર્ધારિત લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું હતું. આ પરીક્ષણ દ્વારા સબમરીનની હથિયાર પ્રણાલી, યુદ્ધ માટેની તત્પરતા અને ઓપરેશનલ ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. આ સમગ્ર લાઈવ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કરવા પાકિસ્તાની નૌકાદળના વડા એડમિરલ નવીદ અશરફ પોતે સમુદ્રમાં હાજર રહ્યા હતા.
હંગોર ક્લાસ સબમરીનની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલી 'એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન' (AIP) ટેકનોલોજી છે. આધુનિક AIP ટેકનીકના કારણે સબમરીનને બેટરી ચાર્જ કરવા માટે વારંવાર સમુદ્રની સપાટી પર આવવું પડતું નથી, જેથી તે અઠવાડિયાઓ સુધી સમુદ્રના ઊંડાણમાં છુપાયેલી રહી શકે છે. આ સ્ટેલ્થ સુવિધાના કારણે દુશ્મનના રડાર કે સોનાર માટે તેને શોધી કાઢવી અત્યંત મુશ્કેલ બની જાય છે. પાકિસ્તાને ચીન સાથે કરેલી ડીલ અંતર્ગત આવી કુલ ૮ હંગોર ક્લાસ સબમરીનો પોતાના નૌકાદળમાં સામેલ કરવાની યોજના બનાવી છે, જે આધુનિક સેન્સર અને એડવાન્સ્ડ કોમ્બેટ સિસ્ટમથી સજ્જ છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
