તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
FATF ની ગ્રે લિસ્ટથી બચવા પાકિસ્તાનનું નવું નાટક: જૈશના વડા મસૂદ અઝહર પર ઇનામ વધારી 70 લાખ કર્યું
રેડ બુક’માં નામ ઉમેરી પાકિસ્તાને દેખાડો કર્યો: ભારતીય ગુપ્તચર એજન્સીઓનો ખુલાસો : મસૂદ અફઘાનિસ્તાન નહીં પરંતુ સિંધ પ્રાંતમાં જ છુપાયેલો છે

નવી દિલ્હી : ઓક્ટોબર મહિનામાં યોજાનારી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની મહત્વપૂર્ણ બેઠક પહેલા પાકિસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખમાં ધૂળ નાખવા કાવતરું રચ્યું છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ વર્ષ 2026 માટે જાહેર કરેલી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની "રેડ બુક" યાદીમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા અને પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરનું નામ સામેલ કર્યું છે. આ ઉપરાંત તેના પરનું ઇનામ 20 લાખથી વધારીને 70 લાખ પાકિસ્તાની રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી માત્ર એક કોસ્મેટિક દેખાડો અને ઢોંગ હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. FATF ની 'ગ્રે લિસ્ટ'માં ફરી ધકેલાઈ જવાથી બચવા અને વૈશ્વિક સ્તરે કાર્યવાહીથી છટકી જવા માટે પાકિસ્તાને આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે 2021 થી પાકિસ્તાન એવો દાવો કરતું આવ્યું છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં નથી પરંતુ અફઘાનિસ્તાન ભાગી ગયો છે.
જોકે, પાકિસ્તાનના આ દાવાઓનું સત્ય ભારતીય ગુપ્તચર એજન્સીઓના ટેકનિકલ પૃથક્કરણમાં સામે આવી ગયું છે. સમાચાર એજન્સી ANI મુજબ છેલ્લા છ મહિનામાં કરાયેલા વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે અઝહર અફઘાનિસ્તાનમાં નહીં પરંતુ પાકિસ્તાનના જ સિંધ પ્રાંતમાં આવેલા નવાબશાહ શહેરમાં સુરક્ષિત રીતે છુપાયેલો છે. ભારતમાં અનેક ભયાનક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર અઝહરને બચાવવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા પાકિસ્તાન આ પ્રકારના ગતકડાં કરી રહ્યું છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
