<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ભારત સામે પાકિસ્તાનનો પરમાણુ રાગ અને ગીધડભભકી : સિંધુ નદીના જળ વિવાદ મામલે વૈશ્વિક મંચ પરથી પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને આપી પરમાણુ હુમલાની ખુલ્લી ધમકી : આ યુદ્ધને ગણાવ્યું દેશના અસ્તિત્વની લડાઈ

કાશ્મીરના પહેલગામમાં ૨૦૨૫ના આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ મોકૂફ રાખતા પાકિસ્તાનની કમર તૂટી : ૮૦ ટકા ખેતી જોખમાતા અને ગ્લેશિયર્સ પીગળવાની સ્પીડ બમણી થતા પાકિસ્તાની શાસકોના હોશ ઉડ્યા

લાહોર : ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સિંધુ નદીના જળ વિવાદ (Water Dispute) માં પાકિસ્તાન તરફથી ફરી એકવાર અત્યંત ઉશ્કેરણીજનક અને બેજવાબદાર નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં બોલતા ત્યાંના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત સામે ઝેર ઓકતા ધમકી આપી છે કે જો પાકિસ્તાન તરફ આવતું નદીઓનું પાણી રોકવાનો સહેજ પણ પ્રયાસ કરવામાં આવશે, તો પાકિસ્તાન તેનો જવાબ પરમાણુ હુમલા (Nuclear Strike) થી આપી શકે છે. તેમણે આ બાબતને પાકિસ્તાન માટે આરપારની લડાઈ ગણાવી છે.

બિલાવલ ભુટ્ટોએ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની પરમાણુ નીતિ (Nuclear Doctrine) નો હવાલો આપતા દાવો કર્યો હતો કે, દેશના જળ સંસાધનો કે અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવાનો કોઈ પણ પ્રયાસ રાષ્ટ્રીય અસ્તિત્વ માટે મોટો ખતરો માનવામાં આવશે અને આવી સ્થિતિમાં પાકિસ્તાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા અચકાશે નહીં. તેમણે ઉમેર્યું કે ભારત દ્વારા પાણી રોકવાની પ્રક્રિયા "ન્યુક્લિયર આર્માગેડન" એટલે કે સંપૂર્ણ પરમાણુ વિનાશ જેવી સ્થિતિનું નિર્માણ કરશે. ભારત પર દબાણ લાવવાના હથિયાર (Pressure Weapon) તરીકે પાણીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા ઝરદારીએ કહ્યું કે, સિંધુ નદી પાકિસ્તાનની લાઈફલાઈન છે અને તેના પર કોઈ સોદાબાજી થઈ શકે નહીં.

વાસ્તવમાં પાકિસ્તાનની આ ભયભીત હેકડી પાછળ ભારત સરકારનું કડક વલણ જવાબદાર છે. એપ્રિલ ૨૦૨૫માં કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે આકરો નિર્ણય લઈને ઐતિહાસિક સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને સસ્પેન્ડ એટલે કે મોકૂફ (Abeyance) રાખી દીધી છે. પાકિસ્તાનનું કૃષિ ક્ષેત્ર અને લગભગ ૮૦ ટકા ખેતી સંપૂર્ણપણે આ નદીના પાણી પર નિર્ભર હોવાથી જો ભારત પાણી બંધ કરે તો પાકિસ્તાન બૂંદ-બૂંદ પાણી માટે તરસતું થઈ જાય તેમ છે, જેને કારણે પાકિસ્તાની નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

અત્રે નોંધનીય છે કે બિલાવલ ભુટ્ટો અગાઉ વર્ષ ૨૦૨૫માં પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે કે "કાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું લોહી." વર્તમાન સમયમાં હિમાલયના ગ્લેશિયર્સ પીગળવાની સ્પીડ બમણી થવાને કારણે પાકિસ્તાન પહેલેથી જ મોટા જળ સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતે અપનાવેલા આક્રમક આર્થિક અને રાજદ્વારી વલણથી પાકિસ્તાનની સેના અને શાસકો સંપૂર્ણપણે ફફડી ઉઠ્યા છે અને જૂની આદત મુજબ ફરી પરમાણુ યુદ્ધનો રાગ આલાપી રહ્યા છે.

 

(4:08 PM IST)