હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસમાં મહામારી જેવી દેવાની કટોકટી અને ગવર્નમેન્ટ શટડાઉનનો ભય: આઈસીઆઈસીઆઈ બેંકના રિપોર્ટથી ખળભળાટ
મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીતની ૬૩ ટકા શક્યતા વચ્ચે ટ્રમ્પ સરકારની મુશ્કેલીઓમાં મોટો વધારો

વોશિંગ્ટન: ૨૦૨૬ અને ૨૦૨૭ ના છેલ્લા મહિનાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ સરકારી શટડાઉન અને દેવાની મર્યાદા (ડેટ સિલિંગ) અંગેના મોટા સંઘર્ષના જોખમનો સામનો કરી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના તાજેતરના રિપોર્ટ મુજબ, યુએસમાં આગામી મધ્યસત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર માટે નવા સંગીન પડકારો ઊભા કરી શકે છે. જો ડેમોક્રેટ્સ સંસદના બંને ગૃહોમાં બહુમતી મેળવે છે, તો સરકારી નીતિઓની કડક ચકાસણી શરૂ થશે, જેનાથી વૈશ્વિક કંપનીઓ માટે ટેરિફ અને વેપાર સંબંધિત નિર્ણયો પર અનિશ્ચિતતા ઘેરી બનશે.
રિપોર્ટના આંકડા અનુસાર, ડેમોક્રેટ્સ પાસે યુએસ કોંગ્રેસના બંને ગૃહો પર નિયંત્રણ મેળવવાની ૬૩ ટકા શક્યતા છે. જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જીતવાની ૯૦.૯ ટકા અને સેનેટમાં જીતવાની ૬૪ ટકા શક્યતા દર્શાવાઈ છે. બંને ગૃહો પર વિપક્ષનો કબ્જો થતાં ટેરિફ, ઇમિગ્રેશન અને સરકારી ખર્ચ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ ઘેરાશે. જોકે, વર્તમાન ટેરિફ શાસન આપમેળે સમાપ્ત નહીં થાય, કારણ કે રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર અને ખાસ સત્તાઓ ઉપલબ્ધ છે. બીજી તરફ, યુએસમાં એઆઈ (AI) અને ડેટા સેન્ટર રોકાણ પર ખાસ માઠી અસર નહીં પડે, કારણ કે સંભવિત હાર વાળા રાજ્યોમાં દેશની માત્ર ૧૫% ડેટા સેન્ટર ક્ષમતા જ સમાયેલી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે અહેવાલમાં જણાવાયું છે કે ડેમોક્રેટિક વિજયથી યુદ્ધ તાત્કાલિક બંધ થવાની શક્યતા ઓછી છે, પરંતુ સંસદમાંથી લશ્કરી ખર્ચ માટે ભંડોળ મેળવવું ટ્રમ્પ સરકાર માટે વધુ જટિલ બનશે. સૌથી મોટો ખતરો સરકારી કામગીરી ઠપ્પ થવાનો (ગવર્નમેન્ટ શટડાઉન) છે. હાલમાં યુએસમાં કામચલાઉ ભંડોળ વ્યવસ્થા ચાલી રહી છે, જે આખું બજેટ પસાર કર્યા વગર જ સરકારી કામકાજ ચલાવે છે. આ અસ્થાયી વ્યવસ્થા ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહી છે, જેના પછી ભંડોળ પર સર્વસંમતિ ન સધાય તો શટડાઉન નક્કી છે.
અગાઉ પણ યુએસમાં નાણાકીય બજેટ અને દેવાની મર્યાદા અંગે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેના મતભેદોને કારણે સરકારી શટડાઉનની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. આગામી ૧૧ ડિસેમ્બરની સમયમર્યાદા નજીક આવી રહી હોવાથી અને મધ્યસત્ર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતાં જ બંને પક્ષો વચ્ચે કાયદાકીય અને નાણાકીય બિલ પસાર કરાવવા માટે ભારે ખેંચતાણ જોવા મળશે. વૈશ્વિક અર્થતંત્ર અને શેરબજારો પણ આ રાજકીય અને નાણાકીય કટોકટીના પરિણામો પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
