<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ગેસના ભાવમાં ભડકો થતા કેરળમાં ખળભળાટ: કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 933ના તોતિંગ વધારા સામે હોટલ સંચાલકો મેદાને, 6 મેના રોજ રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત

ચૂંટણી બાદ સરકારના ભાવવધારાના ઝીંક સામે ઉદ્યોગ જગતમાં ભારે રોષ: તિરુવનંતપુરમ અને કોચી સહિતના શહેરોમાં હોટલ-રેસ્ટોરન્ટના શટર પડશે બંધ, સામાન્ય જનતાના ખિસ્સા પર પણ પડશે મોટો આર્થિક ફટકો

તિરુવનંતપુરમ: કેરળમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા આકરા વધારાને પગલે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કેરળ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (KHRA) દ્વારા આગામી 6 મેના રોજ રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. 1 મે થી અમલી બનેલા નવા દરો મુજબ, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સીધો રૂ. 933નો વધારો ઝીંકવામાં આવતા હોટલ સંચાલકો માટે વ્યવસાય ચલાવવો અશક્ય બન્યો છે. આ હડતાળને કારણે પ્રવાસન રાજ્ય એવા કેરળમાં ખાણીપીણીની તમામ નાની-મોટી સંસ્થાઓ અને રસ્તા પરની લારીઓ પણ બંધ રહે તેવી શક્યતા છે.

ભાવવધારાના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તિરુવનંતપુરમમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત રૂ. 3,106 અને કોચીમાં રૂ. 3,085 પર પહોંચતા ઉદ્યોગને 'ગંભીર ફટકો' પડ્યો છે. એસોસિએશનનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાયમાં પહેલેથી જ અડચણો હતી, તેમાં આ ભાવવધારાએ પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જી છે. રેસ્ટોરન્ટ માલિકોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી આ અસહ્ય ભાવવધારો પાછો ખેંચે, અન્યથા અનેક નાના એકમો બંધ થવાની કમનસીબ નોબત આવી શકે છે.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો આ મોટો ડોઝ મળતા સામાન્ય જનતામાં પણ ગણગણાટ શરૂ થયો છે. હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેવાથી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. જો સરકાર આ મામલે નમતું નહીં જોખે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્યારે સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્ર અને એસોસિએશન વચ્ચે ટકરાવની સ્થિતિ જોવા મળી રહી છે, જેની સીધી અસર કેરળના અર્થતંત્ર અને સામાન્ય માણસના થાળી પર જોવા મળશે.

(11:39 AM IST)