News of Tuesday, 24th November 2026
પેપર લીક માફિયાઓની હવે ખેર નહીં: મહારાષ્ટ્રમાં 10 વર્ષની જેલ : ₹10 કરોડનો દંડ અને મિલકત જપ્તીનો કડક કાયદો લાવવાની તૈયારી!
વરિષ્ઠ IAS અધિકારી વી. રાધાની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજ્ય સરકારને સુપરત કરેલા અહેવાલમાં તપાસ માટે અલગ STF, ફાસ્ટ-ટ્રેક કોર્ટ, પરીક્ષા રદ થાય તો સંપૂર્ણ ફી રિફંડ અને MPSC ગ્રુપ-C ની જગ્યાઓ વધારીને 16,000 થી વધુ કરવા સહિતની મહત્વપૂર્ણ ભલામણો કરી

મુંબઈ: સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે મહારાષ્ટ્ર સરકાર દેશનો સૌથી કડક કાયદો ઘડવા જઈ રહી છે. વરિષ્ઠ IAS અધિકારી વી. રાધાની આગેવાની હેઠળની સાત સભ્યોની સમિતિએ મંગળવારે રાજ્ય સરકારને પોતાનો બીજો અહેવાલ સુપરત કર્યો છે, જેમાં પેપર લીક કરનારા ગુનેગારો માટે 7 થી 10 વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાના જંગી દંડની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોની મિલકત જપ્ત કરવા, કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવા અને તપાસ માટે અલગ 'સ્પેશિયલ ટાસ્ક ફોર્સ' (STF) ની રચના કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
સમિતિએ માત્ર કડક સજા જ નહીં, પરંતુ પરીક્ષા પ્રણાલીને પારદર્શક બનાવવા અને લાખો ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા માટે પણ અનેક ક્રાંતિકારી સૂચનો કર્યા છે. ભલામણ મુજબ, જો મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) ની કોઈ પરીક્ષા રદ થાય તો ઉમેદવારોની પરીક્ષા ફી સંપૂર્ણપણે પરત મળવી જોઈએ, તેમજ પરીક્ષા કેન્દ્રોમાં એકરૂપતા અને દેખરેખ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી નક્કી કરીને એક અલગ 'વેન્યુ બેંક' (સ્થળ બેંક) બનાવવી જોઈએ. ઉમેદવારોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓને ધ્યાનમાં રાખીને સમિતિએ તમામ ભરતી પરીક્ષાઓમાં ઉપલી વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવા અને MPSC ગ્રુપ-C કમ્બાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે ખાલી જગ્યાઓની સંખ્યા વધારીને 16,000 થી વધુ કરવાનું પણ સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓના આરોપો અને ઉમેદવારોના વિરોધ પ્રદર્શનો બાદ રાજ્ય સરકારે 4 સપ્ટેમ્બરના રોજ આ સમિતિની રચના કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમિતિના સૂચનોને આવકારતા જણાવ્યું છે કે સરકાર આ ભલામણો પર અત્યંત ગંભીરતાથી વિચાર કરી રહી છે અને આગામી વિધાનસભાના શિયાળુ સત્રમાં આ અંગેનું કડક બિલ રજૂ કરીને પસાર કરવા માટે પ્રયત્નશીલ રહેશે. જો આ પ્રસ્તાવિત જોગવાઈઓ કાયદાનું સ્વરૂપ લેશે, તો તે પેપર લીક માફિયાઓમાં ભય પેદા કરશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓનો સરકારી વ્યવસ્થા પરનો વિશ્વાસ ફરીથી મજબૂત બનશે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
