<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

કાગળનો ભાવ ૧૦% વધ્‍યો, પણ નોટબુકના ભાવ સ્‍થિર

મોંઘવારી વચ્‍ચે વાલીઓને ‘ખાટી-મીઠી' રાહત : સ્‍કૂલબેગ-સ્‍ટેશનરીમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો સહન કરવો પડશે

મુંબઈ,તા.૧: આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્‍યારે સંતાનોના ભણતરના ભાર સાથે વાલીઓની ચિતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્‍કૂલો શરૂ થતા પહેલાં જ વાલીઓ નોટબુક અને સ્‍ટેશનરીની ખરીદી માટે બજારમાં દોડધામ કરી રહ્યા છે. વૈશ્વિક સ્‍તરે યુદ્ધની પરિસ્‍થિતિને કારણે કાગળના ભાવમાં ૧૦ ટકા જેટલો તોતિગ વધારો થયો છે, જેના લીધે આ વર્ષે ચોપડા મોંઘા થવાની પૂરેપૂરી આશંકા હતી. જોકે, બજેટમાં સરકારે નોટબુક પર લાગતા ૧૨ ટકા જીએસટીને સંપૂર્ણપણે નાબૂદ કરીને શૂન્‍ય કરી દેતા વાલીઓને મોટી રાહત મળી છે.

ટેક્‍સ ઘટવાને કારણે કાગળનો ભાવવધારો સરભર થઈ ગયો છે અને નોટબુકના ભાવ મેન્‍ટેન રહ્યા છે. બજારમાં હાલ ફુલસ્‍કેપ નોટબુક રૂ. ૩૦થી લઈ રૂ. ૬૦ સુધીના જૂના ભાવે જ મળી રહી છે, જે આ મોંઘવારીના દોરમાં વાલીઓ માટે રાહતજનક સાબિત થઈ છે. એક તરફ નોટબુકના ભાવ સ્‍થિર રહેતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, તો બીજી તરફ સ્‍ટેશનરીની અન્‍ય ચીજવસ્‍તુઓએ વાલીઓની ચિતા બેવડાવી દીધી છે. નોટબુક સિવાયની તમામ જરૂરી સામગ્રી જેવી કે સ્‍કૂલબેગ, પેન્‍સિલ, ફાઈલો, ટિફિન બોક્‍સ અને કંપાસ બોક્‍સ (ડોમેટ્રીબોક્‍સ) વગેરે પર અગાઉ ૧૨ ટકા જીએસટી હતો, જેમાં વધારો કરીને હવે ૧૮ ટકા જીએસટી લાગુ કરી દેવામાં આવ્‍યો છે. ટેક્‍સના દરમાં થયેલા આ સીધા વધારાને કારણે ચાલુ વર્ષે શૈક્ષણિક સ્‍ટેશનરી સામગ્રીમાં વાલીઓને ૧૦થી ૧૫ ટકા જેટલો ભાવવધારો સહન કરવો પડશે.

સ્‍ટેશનરી મર્ચન્‍ટ એસોસિયેશનના પ્રમુખ જણાવ્‍યું હતું કે, શાળાઓ શરૂ થવા સાથે આગામી દિવસોમાં સ્‍ટેશનરી બજારમાં ખરીદીનો ધસારો વધશે. નોટબુકના ભાવ સ્‍થિર રહેતા રાહતનો અનુભવ થશે, પરંતુ અન્‍ય જરૂરી સામગ્રીના વધેલા ભાવ વાલીઓના ખિસ્‍સા પર અસર કરશે. ટેક્‍સ સ્‍લેબ બદલાવાને કારણે બ્રાન્‍ડેડ તેમજ લોકલ સ્‍ટેશનરી બંને મોંથી થઈ છે. બીજી તરફ ક્રૂડ ઓઈલના વધતા ભાવની સીધી અસર પ્‍લાસ્‍ટિકથી બનતી સામગ્રી પર જોવા મળી રહી છે.

નોટબુકની ૧૨ પર ૧૨ ફ્રી ઓફરથી વાલીઓમાં રોષ

શહેરના વિવિધ વિસ્‍તારોમાં નોટબુકના સ્‍ટોલ પર સોસિયલ મીડિયા રીલ દ્વારા ૧૨ નોટબુક ખરીદો અને ૧૨ ફ્રી મેળવો જેવી આકર્ષક ઓફરોનો પ્રચાર થઈ રહ્યો છે. જોકે, સ્‍થળ પર પહોંચ્‍યા બાદ મોટાભાગના સ્‍ટોલ પર ગ્રાહકોને જણાવામાં આવે છે કે, ફ્રી નોટબુક માત્ર મોંઘા કોમ્‍બો પેક પર જ મળે છે. રીલમાં દર્શાવવાયેલી અને વાસ્‍તવિક ઓફરમાં તફાવત હોવાથી અનેક વાલીઓ પોતે ગેરમાર્ગે દોરાયા હોવાનો અનુભવ કરે છે.(

(10:22 AM IST)