તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
AK-47 ના હુમલામાં ઘાયલ વિદ્યાર્થીઓ માટે પપ્પુ યાદવનું મોટું એલાન: સરકારી નોકરી અથવા એક કરોડનું વળતર આપો નહીં તો જઈશું સુપ્રીમ કોર્ટ
બિહાર બંધ દરમિયાન પેપર લીક વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા સેનાના ઉમેદવારો પર પોલીસ ગોળીબારની ઘટના સામે આવતા પૂર્ણિયાના સાંસદે દિલ્હીમાં પીડિતોની મુલાકાત લઈને સરકાર સામે બુલંદ અવાજ ઉઠાવ્યો છે

નવી દિલ્હી : ગત ૨૫ જુલાઈએ બિહાર બંધ દરમિયાન પેપર લીકના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર સિવાનમાં એક પોલીસકર્મી દ્વારા AK-47 રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી; આ ઘટનાના સંદર્ભમાં શુક્રવારે પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ રાજેશ રંજન અર્થાત પપ્પુ યાદવે દિલ્હી ખાતે ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમને આર્થિક સહાય પૂરી પાડીને સરકાર સમક્ષ કડક માંગણીઓ મૂકી હતી.
ઘટનાની વિગતવાર માહિતી આપતા પપ્પુ યાદવે જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે સેનામાં જોડાવાનું સ્વપ્ન સેવતા ૧૫ થી ૧૬ વર્ષની નાની વયના મોહમ્મદ આરિફ, બુલેટ કુમાર ગૌર અને આકાશ કુમાર જેવા યુવાનો પર થયેલો આ ક્રૂર હુમલો અત્યંત શરમજનક છે, જેના કારણે હવે આ યુવાનો શારીરિક અક્ષમતાને લીધે સેનામાં જોડાવાનું સપનું ક્યારેય પૂરું નહીં કરી શકે. તેમણે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આ પીડિત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સરકારી નોકરી આપવામાં આવે અથવા જો નોકરી ન આપી શકાય તો પ્રત્યેક પરિવારને રૂ. ૧ કરોડનું માતબર વળતર ચૂકવવામાં આવે.
આ મામલે સરકારને ચેતવણી આપતા પપ્પુ યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો વહીવટીતંત્ર દ્વારા આ યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કોઈ નક્કર પગલાં કે વળતર નહીં આપવામાં આવે, તો તેઓ આ ન્યાયની લડાઈ લડવા માટે સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે અને પીડિતોને ન્યાય અપાવવા માટે આર્થિક કે કાનૂની અભાવ ક્યારેય આડે નહીં આવવા દે. તેમણે આ વિદ્યાર્થીઓને 'કર્મવીર' અને 'ક્ર્રાંતિકારી યોદ્ધાઓ' ગણાવીને સમગ્ર વિપક્ષ તેમની સાથે ખડકની જેમ ઊભો હોવાનું જણાવ્યું હતું.
દિલ્હીમાં વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ પપ્પુ યાદવ હવે બિહારના પ્રવાસે જવા રવાના થયા છે, જ્યાં હાલમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ઔરંગાબાદમાં ગેંગરેપ તેમજ હાજીપુર-વૈશાલીમાં થયેલી હત્યાઓ જેવી ગંભીર અપરાધિક ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને તેઓ આ તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે આગામી દિવસોમાં ઉગ્ર જનઆંદોલન છેડવાની રણનીતિ બનાવી રહ્યા છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
