<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

માતા-પિતાનો વિરોધ ન આવ્યો કામ: ૨૦ વર્ષીય યુવતી જૈન દીક્ષા લઈને સંસાર છોડવા સંપૂર્ણ સ્વતંત્ર, મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો ઐતિહાસિક અને પ્રેરણાદાયી ચુકાદો!

સંસારના મોહ-માયા ત્યાગીને સંયમનો માર્ગ અપનાવવા માંગતી પુખ્ત યુવતીના પક્ષમાં કોર્ટનો મોટો ફેંસલો; બંધારણીય અધિકારોને ટાંકીને માતા-પિતાના દબાણને ફગાવ્યું.

ઇન્દોર, તા.૧૧: જ્યારે આખી દુનિયા ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ દોડી રહી છે, ત્યારે કેટલાક યુવાનો વૈભવી જીવનને ઠોકર મારીને આધ્યાત્મિક અને સંયમના માર્ગે આગળ વધવાનું સાહસ દાખવતા હોય છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટ દ્વારા આવો જ એક અત્યંત સંવેદનશીલ અને ક્રાંતિકારી ચુકાદો આપવામાં આવ્યો છે, જેણે સાંસારિક મોહમાયા છોડીને જૈન સાધ્વી બનવા માંગતી એક ૨૦ વર્ષીય યુવતીના માર્ગના તમામ કાંટા દૂર કરી દીધા છે. પોતાના જ વાલીઓ અને પરિવારજનોના ભારે વિરોધ સામે ઝીંકીને આ યુવતીએ કાયદાના દરવાજા ખખડાવ્યા હતા, જ્યાં ન્યાયતંત્રએ તેના સ્વતંત્ર નિર્ણયો લેવાના અધિકાર પર મહોર મારી દીધી છે.

ઇન્દોર હાઇકોર્ટની ખંડપીઠના ન્યાયાધીશ સંદીપ એન. ભટ્ટે આ કેસની સુનાવણી કરતી વખતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશની કોઈપણ પુખ્ત નાગરિક યુવતીને પોતાના જીવનના નિર્ણયો જાતે લેવાનો અને પોતાની મરજીના ધર્મ કે રીતિ-રિવાજોનું પાલન કરવાનો સંપૂર્ણ મૂળભૂત અધિકાર છે. અરજદાર યુવતી શ્વેતાંબર જૈન ધર્મની દીક્ષા લઈને દીક્ષાર્થી તરીકે સાધ્વી જીવન અપનાવવા ઈચ્છતી હતી, પરંતુ તેના પરિવારજનો અને સગા-સંબંધીઓ આ નિર્ણયની વિરુદ્ધમાં હતા. વિરોધ એટલી હદે વધી ગયો હતો કે યુવતીને પોતાની સુરક્ષા માટે અદાલતના શરણે જવાની ફરજ પડી હતી અને તેણે તાત્કાલિક પોલીસ રક્ષણની માંગ કરી હતી.

કોર્ટે આ કેસની ગંભીરતા સમજીને ખૂબ જ સંતુલિત વલણ અપનાવ્યું હતું. ન્યાયાધીશે નોંધ્યું કે ભલે કોર્ટને યુવતી અને તેના માતા-પિતા બંને પ્રત્યે સરખી જ સહાનુભૂતિ હોય, પરંતુ કાયદો અને બંધારણ ઉંમર લાયક પુખ્ત નાગરિકની વ્યક્તિગત સ્વતંત્રતાને સર્વોપરી માને છે. અદાલતે આદેશ આપ્યો છે કે જો યુવતીના પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા તેના ધાર્મિક માર્ગમાં અથવા તેના અંગત જીવનમાં બળજબરીપૂર્વક કોઈ અડચણ ઊભી કરવામાં આવશે, તો તેને સાંખી લેવામાં નહીં આવે. કોર્ટે યુવતીને પૂરતી સુરક્ષાનો ભરોસો આપતા હૂંફ આપી છે કે જો કોઈ હેરાનગતિ કરે તો તે સીધી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. આ ચુકાદાથી દીક્ષાના માર્ગે જઈ રહેલી યુવતીનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

(4:08 PM IST)