<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

દિલ્હીવાસીઓને વાયુ પ્રદૂષણમાંથી આંશિક રાહતઃ સમગ્ર રાજધાનીનો હવા ગુણવત્તા સૂચકાંક ૨૨૮ નોંધાયો, આનંદ વિહારમાં હજુ પણ ૩૩૨ના સ્તરે પ્રદૂષણ

એઇમ્સ વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક ૧૮૮, ઇન્ડિયા ગેટ ખાતે ૧૪૯ઃ વર્ષ ૨૦૨૭માં વાયુ પ્રદૂષણમાં ઓછામાં ઓછો ૧૫ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી, તા. ૨૬ : દેશની રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારે વાયુ પ્રદૂષણની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર સવારે ૮ વાગ્યે સમગ્ર દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૨૨૮ નોંધાયો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે.

 

આનંદ વિહારમાં ૩૩૨, નોર્થ કેમ્પસમાં ૩૦૨, આઇઆઇટી દિલ્હીમાં ૨૪૧, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ૨૩૦, મેદાનગઢીમાં ૧૯૯, ઓખલા ફેઝ-૨માં ૧૯૩ અને જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ વિસ્તારમાં ૧૯૦નો સૂચકાંક નોંધાયો છે.

 

એઇમ્સ હોસ્પિટલની આસપાસ ૧૮૮, ઇન્ડિયા ગેટ અને કર્તવ્યપથ વિસ્તારમાં ૧૪૯ તથા લોધી રોડ વિસ્તારમાં ૧૪૮નો સૂચકાંક નોંધાયો છે. આ વિસ્તારોની હવા મધ્યમ શ્રેણીમાં છે.

 

દરમિયાન હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે વર્ષ ૨૦૨૭ દરમિયાન દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વાયુ પ્રદૂષણમાં ઓછામાં ઓછો ૧૫ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ દિલ્હી વિસ્તારમાં માત્ર ભારત સ્ટેજ-૬ ઉત્સર્જન ધોરણ ધરાવતાં વાહનોને મંજૂરી આપવા અંગે વિચારણા વ્યક્ત કરી છે. જોકે આ અંગે અંતિમ પ્રતિબંધનો આદેશ હજુ જાહેર થયો નથી.

 

(9:41 AM IST)