News of Saturday, 21st November 2026
કોર્ટરૂમમાં મોબાઈલ લઈ જવા પર પક્ષકારોને પ્રતિબંધ; સુનાવણી રેકોર્ડ કરનાર શખ્સની અટકાયત બાદ માફીનામે મુક્તિ
'ઓપન જસ્ટિસ'નો અર્થ 'ફ્રી બ્રોડકાસ્ટ' નથી: પક્ષકાર પાસે ફોન મળે તો સંબંધિત વકીલની જવાબદારી નક્કી કરવા હાઈકોર્ટનો કડક આદેશ

પ્રયાગરાજ, ૨૧ નવેમ્બર: અલાહાબાદ હાઈકોર્ટે ન્યાયિક કાર્યવાહીની ગરિમા અને સુરક્ષા જાળવવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કોર્ટરૂમની અંદર પરવાનગી વિના મોબાઈલ પર સુનાવણીનું રેકોર્ડિંગ કરતા એક શખ્સને કસ્ટડીમાં લેવાના ચકચારી પ્રકરણ બાદ હાઈકોર્ટે પક્ષકારો (લિટીગન્ટ્સ) પર કોર્ટરૂમમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે, બીજા દિવસે માફી માંગવામાં આવતા રેકોર્ડિંગ કરનાર શખ્સને મુક્ત કરવાનો આદેશ અપાયો છે, પરંતુ મોબાઈલ પ્રતિબંધનો નિયમ યથાવત્ રાખવામાં આવ્યો છે.
સમગ્ર મામલો શું છે?
ન્યાયાધીશ વિક્રમ ડી. ચૌહાણની સિંગલ જજ બેન્ચ સમક્ષ ૧૯ નવેમ્બરના રોજ કુલદીપ બત્રા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર અને અન્યના કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન કોર્ટરૂમમાં હાજર એક વ્યક્તિ પરવાનગી વગર મોબાઈલ ફોનમાં કાર્યવાહી રેકોર્ડ કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું. પૂછપરછમાં આ શખ્સે પોતાની ઓળખ વારાણસીના રહેવાસી રાજ કુલશ્રેષ્ઠ તરીકે આપી હતી અને કોઈ સ્પષ્ટ કારણ વિના રેકોર્ડિંગ કર્યાનું કબૂલ્યું હતું.
બેન્ચ સેક્રેટરીએ તેનો મોબાઈલ કબજે લઈ તપાસ કરતા તેમાંથી કોર્ટની કાર્યવાહીના ત્રણ વીડિયો મળી આવ્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે તેનો કોઈ કેસ આ બેન્ચ સમક્ષ લિસ્ટેડ નહોતો અને તેની પાસે માત્ર એડવોકેટ ચેમ્બરમાં પ્રવેશ માટેનો પાસ હતો, કોર્ટરૂમમાં પ્રવેશ માટે યોગ્ય પાસ પણ નહોતો. આ ગંભીર બાબતને લઈને કોર્ટે તેને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો અને મોબાઈલ સીલ કવરમાં સુરક્ષિત રાખવા સૂચના આપી હતી.
'ઓપન જસ્ટિસ' એટલે અનધિકૃત પ્રસારણ નહીં
આદેશમાં કોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે પોતાની પ્રક્રિયાનું નિયમન કરવા અને વ્યવસ્થા જાળવવાની હાઈકોર્ટને અંતર્ગત સત્તા છે. 'ઓપન જસ્ટિસ' (ખુલ્લી ન્યાયપ્રક્રિયા) ના સિદ્ધાંતનો અર્થ એવો નથી કે કોઈ પણ અનધિકૃત વ્યક્તિને 'ફ્રી બ્રોડકાસ્ટ' કરવાનો અધિકાર મળી જાય. કોર્ટે ચેતવણી આપી હતી કે જો પક્ષકારોની અંગત વિગતો કે કેસની હકીકતો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે તો તેનાથી સંબંધિત વ્યક્તિઓ પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને પીડિતોએ ડિજિટલ પ્લેટફોર્મ પર સામાજિક કલંક કે હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.
વકીલોની જવાબદારી અને વહીવટી સૂચનાઓ
કોર્ટરૂમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ પક્ષકાર મોબાઈલ ફોન લઈને કોર્ટરૂમમાં પ્રવેશી શકશે નહીં. કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું છે કે:
જો કોર્ટરૂમમાં કોઈ પક્ષકાર પાસે મોબાઈલ ફોન મળી આવશે, તો તે માટે સંબંધિત વકીલ સંપૂર્ણપણે જવાબદાર ગણાશે.
વકીલોએ પોતાના અસીલોને કોર્ટરૂમમાં મોબાઈલ ન લાવવા અંગે કડક સૂચના આપવી પડશે.
રજિસ્ટ્રાર જનરલને પાસ કાઉન્ટર પર નોટિસ ચોંટાડવા તથા રજિસ્ટ્રાર (પ્રોટોકોલ) ને યોગ્ય પાસ વિના પક્ષકારોને પ્રવેશ ન મળે તે સુનિશ્ચિત કરવા અને પાસ પર મોબાઈલ પ્રતિબંધની સ્પષ્ટ નોંધ કરવા આદેશ અપાયો છે.
આ મુદ્દો ઉત્તર પ્રદેશની કોર્ટ પરિસરોની સુરક્ષા સંબંધિત જનહિત અરજી (PIL) ની સુનાવણી કરી રહેલી ડિવિઝન બેન્ચ સમક્ષ પણ મૂકવામાં આવશે, જેની આગામી સુનાવણી ૨૭ નવેમ્બરના રોજ નિયત થઈ છે.
બિનશરતી માફી બાદ શખ્સને મુક્તિ
૨૦ નવેમ્બરના રોજ સુનાવણી દરમિયાન વકીલો નીતિશ કુમાર સોની અને ભાનુ પ્રતાપ સેઠ હાજર થયા હતા. વકીલ તરફથી જણાવાયું હતું કે તેમની ઓફિસની ભૂલથી ખોટો પાસ ઈશ્યૂ થયો હતો, અને આ મામલે બિનશરતી માફી માંગવામાં આવી હતી. ભૂલની કબૂલાત અને માફીનામાને ધ્યાને લઈ કોર્ટે કસ્ટડીમાં રહેલા રાજ કુલશ્રેષ્ઠને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, મોબાઈલમાંથી રેકોર્ડિંગ ડિલીટ કરવા અને વીડિયો સોશિયલ મીડિયા પર પ્રકાશિત કે શેર ન કરવાનો કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, સાથે જ કોર્ટરૂમમાં પક્ષકારોના મોબાઈલ પરનો પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
