<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

યોગી આદિત્યનાથ સામે કેસ કરનાર પરવેઝ પરવાઝનું ગોરખપુર જેલમાં અવસાન

આજીવન કેદની સજા ભોગવી રહેલા 72 વર્ષીય પરવેઝની તબિયત લથડતાં સારવાર દરમિયાન નિધન

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ભૂતકાળમાં કાનૂની લડાઈ લડનાર અને ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 72 વર્ષીય પરવેઝ પરવાઝનું શનિવારે મોડી રાત્રે અવસાન થયું છે. ગોરખપુર જિલ્લા જેલની હોસ્પિટલ બેરેકમાં અચાનક તબિયત બગડ્યા બાદ જેલના તબીબો દ્વારા તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રવિવારે સવારે 2:50 વાગ્યે તેમનું નિધન થયું હતું.

પરવેઝ પરવાઝનું નામ વર્ષ 2007ના ગોરખપુર રમખાણો પછી સૌથી વધુ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેમણે તત્કાલીન સાંસદ અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિવિધ આરોપો સાથે કેસ દાખલ કર્યો હતો. લાંબી કાનૂની તપાસ અને કાર્યવાહી બાદ તે સમયે આ કેસ ખોટો સાબિત થયો હતો, અને બાદમાં અન્ય એક ગંભીર ગુનાહિત કેસમાં તેમને અદાલત દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

રાજઘાટ વિસ્તારના તુર્કમાનપુરના રહેવાસી પરવેઝ પરવાઝ છેલ્લા કેટલાક સમયથી ગોરખપુર જિલ્લા જેલમાં પોતાની સજા કાપી રહ્યા હતા. વદારે પડતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓને કારણે તેમની શારીરિક સ્થિતિ નાજુક બની ગઈ હતી, જેના લીધે જેલ પ્રશાસન દ્વારા તેમની નિયમિત તબીબી સંભાળ રાખવામાં આવી રહી હતી. શનિવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો.

જેલ પ્રશાસન દ્વારા તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઇલ કેસ સાથે જોડાયેલા પરવેઝ પરવાઝના અવસાનના સમાચાર મળતા જ સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

(1:26 PM IST)