<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

મેટ્રો અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ચેતી જજો: હેન્ડલ અને ટિકિટ મશીન પર મળી આવ્યા દવાઓની અસર ન થાય તેવા ખતરનાક બેક્ટેરિયા

આઈઆઈટી મદ્રાસના સંશોધનમાં જાહેર પરિવહનની સપાટીઓ પર ડ્રગ-રેસિસ્ટન્ટ જીન્સ હોવાનો ખુલાસો, નિષ્ણાતોએ મુસાફરોને સાવચેત રહેવા આપી સલાહ

ચેન્નઈ : રોજિંદા પ્રવાસ માટે મેટ્રો અથવા લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા લાખો મુસાફરો માટે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં આઈઆઈટી મદ્રાસ દ્વારા કરવામાં આવેલા દેશના પ્રથમ વ્યાપક સંશોધનમાં ટ્રેનના હેન્ડલ અને ટિકિટ વેન્ડિંગ મશીનો પર દવાઓની પણ અસર ન થાય તેવા ખતરનાક બેક્ટેરિયાના જીન્સ મળી આવ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સંશોધકોની ટીમે ચેન્નઈ મેટ્રોના વિવિધ સ્ટેશનો અને દોડતી ટ્રેનોમાંથી એકત્રિત કરેલા નમૂનાઓના ડીએનએ પૃથક્કરણ દરમિયાન ૮૦ ટકાથી વધુ સેમ્પલ્સમાં એન્ટિબાયોટિક સામે લડવાની ક્ષમતા ધરાવતા અને ટીબી જેવી ગંભીર બિમારીની દવાઓને પણ નિષ્ફળ બનાવતા સુપરબગ માર્કર્સ શોધી કાઢ્યા છે.

 

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ટ્રેનની અંદરની હેન્ડ રેઇલની સરખામણીએ સ્ટેશન પર મુકાયેલા ટિકિટ વેન્ડિંગ મશીનો પર સૌથી વધુ વૈવિધ્યસભર સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયલ પ્રજાતિઓ વસવાટ કરે છે, જે જાહેર આરોગ્યની દ્રષ્ટિએ એક મોટો ચિંતાનો વિષય બન્યો છે.

 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સપાટી પર આવા જનીનો મળવાનો સીધો અર્થ એવો નથી કે મુસાફરો તરત જ ગંભીર સંક્રમણનો ભોગ બનશે, પરંતુ આ અહેવાલ ડર ફેલાવવા માટે નહીં પરંતુ જાહેર સફાઈના પ્રોટોકોલને વધુ કડક બનાવવા માટેની એક ચેતવણી સમાન છે.

 

અગાઉ દિલ્હી રેલવે સ્ટેશન પર પણ હવામાં પ્રદૂષણના રજકણો સાથે બેક્ટેરિયા તરતા હોવાના અહેવાલો આવ્યા હતા, જ્યારે વૈશ્વિક સ્તરે થયેલા અભ્યાસો દર્શાવે છે કે દરેક શહેરના સ્થાનિક વાતાવરણ અને આબોહવા મુજબ ત્યાંના માઇક્રોબાયોમમાં વિવિધતા જોવા મળે છે.

 

આ જોખમથી બચવા માટે પ્રશાસન દ્વારા રેલવે અને મેટ્રો પરિસરમાં સપાટીઓને નિયમિતપણે જંતુમુક્ત (ડિસઇન્ફેક્ટ) કરવી જોઈએ, તેમજ મુસાફરોએ પણ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સાવચેતી રાખવી અનિવાર્ય છે.

(11:17 PM IST)