<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

જર્મનીમાં PR મેળવવાનો માર્ગ થયો આસાન: કાયમી રહેઠાણ માટે કેટલો ખર્ચ થશે અને કેટલો સમય લાગશે? પાંચ વર્ષ પહેલાં કાયમી વિઝા મેળવવાની આ રહી શોર્ટકટ ફોર્મ્યુલા

EU બ્લુ કાર્ડ ધારકો, કુશળ કારીગરો અને જર્મન સ્નાતકો માટે ગોલ્ડન ચાન્સ; ભાષા અને પેન્શન યોગદાનના આધારે ૨૧ મહિનામાં જ મળી શકે છે ગ્રીન સિગ્નલ

બર્લિન : યુરોપના સૌથી મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ જર્મનીમાં સ્થાયી થવાનું સપનું જોતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો માટે 'કાયમી રહેઠાણ' (Permanent Residency) મેળવવી એ કારકિર્દીનું મોટું લક્ષ્ય હોય છે. જર્મનીની પીઆર પરમિટ મળ્યા પછી વારંવાર વિઝા રિન્યુ કરાવવાની માથાકૂટમાંથી મુક્તિ મળે છે અને નાગરિકો અનિશ્ચિત સમય માટે ત્યાં રહી શકે છે. જર્મન ઇમિગ્રેશન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, કાયમી વિઝા મેળવવાની પ્રક્રિયા, તેની સરકારી ફી અને ૫ વર્ષના સ્ટાન્ડર્ડ સમયગાળા પહેલાં પીઆર મેળવવાની આખી બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી છે.

પીઆર મેળવવા માટે કેટલો ખર્ચ થશે? (અરજી ફી)

જર્મનીમાં કાયમી રહેઠાણની પરમિટ મેળવવા માટેની સ્ટાન્ડર્ડ અરજી ફી ખૂબ જ વ્યાજબી રાખવામાં આવી છે. સામાન્ય રીતે આ ફી €૧૧૩ થી €૧૪૭ (અંદાજે ૧૦,૦૦૦ થી ૧૩,૦૦૦ ભારતીય રૂપિયા) ની વચ્ચે હોય છે. જો અરજદાર સગીર (માઇનર) હોય, તો તેમને અડધી ફી એટલે કે €૫૫ થી €૭૭ ની ચૂકવણી કરવાની રહે છે. આ ફીનું ચોક્કસ માળખું જર્મનીના અલગ-અલગ રાજ્યો અને સ્થાનિક ઇમિગ્રેશન ઓથોરિટીના આધારે થોડું બદલાઈ શકે છે, જ્યારે આર્થિક મુશ્કેલી ભોગવતા અમુક લોકોને આમાં મુક્તિ પણ મળે છે.

અરજી પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

જો તમે જર્મનીના પીઆર માટે ફોર્મ સબમિટ કરો છો, તો દસ્તાવેજોની ચકાસણી અને નિર્ણય આવવામાં સામાન્ય રીતે બે મહિના કે તેથી વધુ સમય લાગે છે. પરંતુ, અહીં મોટો પડકાર સ્થાનિક ઇમિગ્રેશન ઓફિસમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવાનો છે. ભારે ધસારાના કારણે એપોઇન્ટમેન્ટ મેળવવામાં જ ૬ મહિના સુધીની લાંબી રાહ જોવી પડી શકે છે. પરિણામે, એપોઇન્ટમેન્ટ બુકિંગથી લઈને ફાઈનલ વિઝા હાથમાં આવવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઘણા મહિનાઓ અથવા એક વર્ષ જેટલો સમય લાગી જાય છે.

૫ વર્ષ પહેલાં જર્મનીના PR જોઈતા હોય તો આ પાંચ કેટેગરીમાં આવવું જરૂરી:

સામાન્ય રીતે જર્મનીમાં રહેઠાણના ૫ વર્ષ પછી જ પીઆર મળે છે, પરંતુ સ્માર્ટ નિયમોના આધારે તમે ખૂબ વહેલા લાયક બની શકો છો:

·         ૧. EU બ્લુ કાર્ડ ધારકો (EU Blue Card Holders): જો તમારી પાસે બ્લુ કાર્ડ છે, તમે 'લાઇફ ઇન જર્મની' ટેસ્ટ પાસ કરી છે અને B1 સ્તરનું જર્મન ભાષાનું જ્ઞાન છે, તો તમે માત્ર ૨૧ મહિનામાં પીઆર મેળવી શકો છો. જો માત્ર મૂળભૂત A1 લેવલનું જ્ઞાન હોય, તો ૨૭ મહિનામાં પાત્રતા મળે છે.

·         ૨. કુશળ કામદારો (Skilled Workers): જર્મન રેસિડેન્સ એક્ટની ખાસ કલમો હેઠળ વર્ક પરમિટ ધરાવતા કુશળ કામદારો અને તેમના પરિવારના સભ્યો માત્ર ૩ વર્ષ (૩૬ મહિના) પછી કાયમી રહેઠાણ માટે અરજી કરી શકે છે.

·         ૩. જર્મન સંસ્થાઓના સ્નાતકો (Graduates from Germany): જે વિદ્યાર્થીઓએ જર્મનીની જ યુનિવર્સિટી કે વ્યાવસાયિક સંસ્થામાંથી ડિગ્રી મેળવી છે, તેઓ માત્ર ૨૪ મહિના (૨ વર્ષ) કામ કર્યા પછી અને નિયમિત પેન્શન યોગદાન આપીને પીઆર મેળવી શકે છે.

·         ૪. સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ (Self-Employed): ફ્રીલાન્સર્સ સિવાયના એવા વ્યવસાયિકો કે જેમનો બિઝનેસ જર્મનીમાં સારી રીતે સ્થાપિત થઈ ચૂક્યો છે અને આર્થિક રીતે સક્ષમ છે, તેઓ પણ ૩ વર્ષમાં લાયક બને છે.

·         ૫. જર્મન નાગરિકોના પરિવારો: જો કોઈ વિદેશી નાગરિકના લગ્ન જર્મન નાગરિક સાથે થયા હોય, તો કાનૂની શરતોને આધીન રહીને તેઓ પણ ૩ વર્ષમાં પીઆરના હકદાર બને છે.

ટૂંકમાં, જર્મની હવે ગ્લોબલ ટેલેન્ટને આકર્ષવા માટે ભાષાકીય ક્ષમતા અને પેન્શન કન્ટ્રીબ્યુશનના આધારે ખૂબ જ ઝડપથી કાયમી વિઝા આપી રહ્યું છે, બસ જરૂર છે યોગ્ય પ્લાનિંગ સાથે સમયસર એપોઇન્ટમેન્ટ બુક કરાવવાની.

(7:16 PM IST)