તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચવાનો માર્ગ સીલ: વિશાળ બરફની દિવાલે પર્વતારોહકોને રોક્યા, મેદાને ઉતર્યા ખાસ 'આઇસફોલ ડોકટર્સ'
ખુમ્બુ આઇસફોલ પાસે બરફની ઉંચી દીવાલ બનતા ૪૦૦ થી વધુ પર્વતારોહકો બેઝ કેમ્પમાં અટકાયા; જીવના જોખમે રસ્તો સાફ કરવા મથી રહ્યા છે શેરપા ડોક્ટરો, ૧૦ વર્ષમાં પહેલીવાર સર્જાઈ આવી સ્થિતિ

કાઠમંડુ: વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા નીકળેલા સેંકડો પર્વતારોહકો અત્યારે કુદરતી અવરોધ સામે લાચાર બન્યા છે. હિમનદીના બરફના હલનચલનને કારણે એવરેસ્ટના પ્રવેશદ્વાર સમાન 'ખુમ્બુ આઇસફોલ' પાસે એક વિશાળ વાદળી-સફેદ બરફની દિવાલ (સેરાક) ઉભી થઈ ગઈ છે, જેને કારણે શિખર તરફ જવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણપણે સીલ થઈ ગયો છે. આ કટોકટી ઉકેલવા માટે એવરેસ્ટના ચુનંદા 'આઇસફોલ ડોકટર્સ' અત્યારે દિવસ-રાત જોખમી કામગીરી કરી રહ્યા છે.
આ 'ડોક્ટર્સ' કોઈ તબીબી પદવી ધરાવતા ડોક્ટર નથી, પરંતુ એવા નિષ્ણાત શેરપા માર્ગદર્શકો છે જે પર્વતનો 'ઈલાજ' કરે છે. ૨૮ વર્ષીય દાવા જાંગબુ શેરપા અને તેમની ૧૧ સભ્યોની ટીમ અત્યારે જીવના જોખમે ૧૭,૦૦૦ ફૂટની ઉંચાઈ પર દોરડા અને સીડીઓ વડે નવો માર્ગ શોધવા મથામણ કરી રહ્યા છે. દાવા જાંગબુએ સેટેલાઇટ ફોન દ્વારા જણાવ્યું કે, "મેં મારા કરિયરમાં આટલો મોટો બરફનો અવરોધ પહેલા ક્યારેય જોયો નથી. ડ્રોન સર્વેક્ષણ બાદ અમને જણાયું છે કે આ દિવાલ ઓળંગવી અત્યંત જોખમી છે."
૪૦૦ પર્વતારોહકોની આતુરતા:
એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાંથી આવેલા ૪૦૦ થી વધુ પર્વતારોહકો અત્યારે બેઝ કેમ્પમાં ભીડ જમાવીને બેઠા છે. દરેક પસાર થતા દિવસ સાથે પર્વતારોહકોની મુશ્કેલી વધી રહી છે કારણ કે વસંતઋતુનો ચઢાણ માટેનો સમય મર્યાદિત હોય છે. નેપાળ સરકારે તાજેતરમાં જ પરમિટ ફી $૧૧,૦૦૦ થી વધારીને $૧૫,૦૦૦ કરી છે, જેના કારણે પર્વતારોહકોમાં વહેલી તકે રસ્તો ખૂલે તેવી આતુરતા જોવા મળી રહી છે.
જોખમી કામગીરી અને ઈતિહાસ:
આઇસફોલ ડોક્ટર્સનું કામ એવરેસ્ટ પર સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેઓ હિમનદીઓના સતત બદલાતા ભૂપ્રદેશમાં લંગર નાખે છે અને એલ્યુમિનિયમની સીડીઓ ગોઠવીને ઊંડી ખીણો પર પુલ બનાવે છે. ૨૦૧૪માં આ જ ખુમ્બુ આઇસફોલ પર બરફની દિવાલ તૂટતા ૧૬ માર્ગદર્શકોના કરુણ મોત થયા હતા, જેની યાદો આજે પણ શેરપાઓને સાવધ કરી રહી છે.
પર્યટન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આગામી સોમવાર સુધીમાં આ બરફની દિવાલ કુદરતી રીતે નહીં ઓગળે, તો બેઝ કેમ્પથી ગાઇડ્સને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ઉપરના કેમ્પમાં પહોંચાડવામાં આવશે જેથી તેઓ ઉપરથી નીચે તરફ દોરડા નાખવાની શરૂઆત કરી શકે. જોકે, આ પ્રક્રિયા ખર્ચાળ અને જોખમી છે. વિશ્વના પર્વતારોહકો અત્યારે આ 'આઇસફોલ ડોકટર્સ'ના કૌશલ્ય પર મીટ માંડીને બેઠા છે. પર્વત ક્યારે પોતાનો રસ્તો આપે છે તે જોવું રહ્યું.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
