<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

પટના હાઈકોર્ટનો આદેશ રદ, સુપ્રીમ કોર્ટે લાંચ કેસમાં આરોપી બિહારના હોસ્પિટલ મેનેજરના જામીન કર્યા મંજૂર અને ઓટોમેટિક સસ્પેન્શન પર કરી મહત્વની ટિપ્પણી

કોર્ટે સ્પષ્ટ કર્યું કે 48 કલાકથી વધુ સમય જેલમાં રહેનાર લોકસેવક આપમેળે સસ્પેન્ડ થઈ જાય છે અને તે જ હોસ્પિટલમાં પુનઃ નિયુક્તિ પર વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પટના હાઈકોર્ટના તે આદેશને રદ કરી દીધો છે જેમાં બિહારના એક હોસ્પિટલ મેનેજરના નિયમિત જામીન રદ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનમોહનઝ ની બેન્ચે સેશન કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને બહાલ કરતા જણાવ્યું કે સામાન્ય સંજોગોમાં આવા કેસોમાં જામીન મળવા જોઈએ, સિવાય કે આક્ષેપો અત્યંત ગંભીર હોય કે આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ હોય.

આ સમગ્ર મામલો સમસ્તીપુરની સદર હોસ્પિટલ સાથે જોડાયેલો છે જ્યાં આરોપી મેનેજર અથવા પ્રશાસક તરીકે ફરજ બજાવતો હતો. તેના પર એક ફરિયાદીના 36421 રૂપિયાના બાકી વેતનને મંજૂર કરવા માટે 4000 રૂપિયાની લાંચ માંગવાનો ગંભીર આરોપ હતો. આ કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન મેળવતા પહેલા તે લગભગ 15 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આ જામીનને હાઈકોર્ટમાં પડકાર્યા હતા, જેના પગલે હાઈકોર્ટે જામીન રદ કરી દીધા હતા.

સુનાવણી દરમિયાન શીર્ષ અદાલતે એક મહત્વપૂર્ણ કાનૂની મુદ્દો સ્પષ્ટ કરતા કહ્યું કે જો કોઈ લોકસેવકની ધરપકડ થાય છે અને તે 48 કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે છે, તો તે આપમેળે ડીમ્ડ સસ્પેન્શન હેઠળ આવી જાય છે અને તેને અમલમાં મૂકવા માટે કોઈ અલગ આદેશની જરૂર નથી હોતી.

આ ઉપરાંત, બેન્ચે એ વાત પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી કે લાંચ કેસના આરોપી આ મેનેજરનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેને તે જ હોસ્પિટલમાં તે જ જગ્યાએ ફરીથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. અદાલતે આ વિકાસને ચિંતાજનક ગણાવતા રાજ્ય સરકારને આ બાબતમાં વહેલી તકે યોગ્ય તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.

(5:03 PM IST)