<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

પટનાના મંચ પર અમિતભાઈ શાહનો ‘જાદુઈ ઝપ્પી’ અંદાજ: મંગલ પાંડેને ગળે લગાવી પીઠ થપથપાવી, બિહાર ભાજપમાં મોટા ફેરબદલના સંકેત!

કેબિનેટમાંથી બહાર હોવા છતાં મંગલ પાંડે ચર્ચાના કેન્દ્રમાં; શાહની બોડી લેંગ્વેજે વિરોધીઓ અને સમર્થકો બંનેને વિચારતા કરી દીધા

 પટના: બિહારમાં નીતીશ કુમારની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગાંધી મેદાનમાં કંઈક એવું બન્યું જેણે સમગ્ર રાજ્યનું રાજકીય તાપમાન વધારી દીધું છે. બિહાર કેબિનેટના વિસ્તરણમાં આ વખતે વરિષ્ઠ નેતા મંગલ પાંડેનું નામ ગાયબ હતું, જેનાથી અનેક અટકળો વહેતી થઈ હતી. પરંતુ, મંચ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના એક અંદાજે આ બધી જ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને એક નવો જ ‘સસ્પેન્સ’ ઊભો કરી દીધો છે.
કેબિનેટમાં સ્થાન નહીં, પણ સન્માન પૂરેપૂરું
સમ્રાટ ચૌધરીની નવી ટીમમાં જ્યારે મંગલ પાંડેને સ્થાન ન મળ્યું, ત્યારે રાજકીય ગલિયારામાં એવી ચર્ચા હતી કે કદાચ પાંડેનો યુગ હવે આથમવા તરફ છે. જોકે, શપથ ગ્રહણના મંચ પર અમિતભાઈ શાહે જે રીતે મંગલ પાંડેને પાસે બોલાવી, ગળે લગાડ્યા અને તેમની પીઠ થપથપાવી, તે જોઈને રાજકીય વિશ્લેષકો ચોંકી ગયા છે. ભાજપની રાજનીતિમાં અમિતભાઈ શાહનો આ પ્રકારનો ભાવ સંકેત આપે છે કે મંગલ પાંડે પાર્ટી માટે હજુ પણ તેટલા જ મહત્વના છે.
શું સંગઠનમાં મળશે મોટી જવાબદારી?
સૂત્રોનું માનીએ તો, મંગલ પાંડેને બિહાર સરકારમાંથી મુક્ત રાખવા પાછળ ભાજપની કોઈ મોટી રણનીતિ હોઈ શકે છે. મંગલ પાંડે અગાઉ બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રભારી તરીકે તેમનો ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યો છે. ચર્ચા એવી છે કે આગામી ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાષ્ટ્રીય મહાસચિવ અથવા કોઈ મહત્વના રાજ્યના પ્રભારી બનાવીને દિલ્હી બોલાવવામાં આવી શકે છે.
પેઢીગત પરિવર્તન અને સામાજિક સમીકરણ
ભાજપે આ વખતે મિથિલેશ તિવારી અને નીતીશ મિશ્રા જેવા નવા બ્રાહ્મણ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપીને પેઢીગત પરિવર્તનનો સંકેત આપ્યો છે. જ્યારે અનુભવી નેતાઓને સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ શકે છે. અમિતભાઈ શાહની ‘બોડી લેંગ્વેજ’ એ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે મંગલ પાંડે મંત્રી નથી બન્યા, પણ ભાજપની આગામી વ્યૂહરચનામાં તેઓ ‘કિંગમેકર’ની ભૂમિકામાં જોવા મળી શકે છે.

(9:15 PM IST)