News of Friday, 1st May 2026
પવન ખેડાને સુપ્રીમ કોર્ટનું મોટું 'કવચ': ધરપકડ પર લગાવી રોક અને કહ્યું- "આ કેસ રાજકીય દુશ્મનવટથી પ્રેરિત લાગે છે!"
નિજી સ્વતંત્રતાનું રક્ષણ અનિવાર્ય હોવાનું જણાવી કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા; તપાસમાં સહયોગ આપવાની શરતે આસામ પોલીસની પકડમાંથી રાહત મળી.

નવી દિલ્હી: તા.૦૧: છેલ્લા ત્રણ અઠવાડિયાથી આસામ પોલીસની ધરપકડની તલવાર નીચે જીવી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ખેડાની અરજી પર સુનાવણી કરતા તેમને આગોતરા જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને એ.એસ. ચંદૂરકરની બેન્ચે ગુવાહાટી હાઈકોર્ટના જૂના આદેશને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, વ્યક્તિની નિજી સ્વતંત્રતાનું રક્ષણ કરવું સર્વોપરી છે, ખાસ કરીને જ્યારે મામલો રાજકીય પ્રેરિત દેખાતો હોય.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, "પવન ખેડા પરના આરોપો અને પ્રત્યારોપો પ્રથમ દ્રષ્ટિએ રાજકીય દુશ્મનવટમાંથી ઉદ્ભવ્યા હોય તેવું લાગે છે. આ પ્રકારના મામલામાં આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી અનિવાર્ય જણાતી નથી." ખેડાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા તે પહેલેથી જ ઓથોરિટી પાસે છે, તેથી કસ્ટડીની કોઈ જરૂર નથી. જોકે, આસામ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ દલીલનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે દસ્તાવેજો નકલી હતા અને તેની તપાસ જરૂરી છે.
કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નોંધ્યું કે આ સમગ્ર વિવાદ ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. કોર્ટે એમ પણ કહ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતે પણ આ બાબતે જાહેર નિવેદનો આપ્યા છે, જે દર્શાવે છે કે આ કેસમાં રાજકીય રંગ વધુ છે. આવી સ્થિતિમાં, કાયદાકીય પ્રક્રિયાનો ઉપયોગ કોઈની સ્વતંત્રતા છીનવવા માટે ન થવો જોઈએ.
જોકે, સુપ્રીમ કોર્ટે પવન ખેડાને જામીન આપવાની સાથે કેટલીક કડક શરતો પણ લગાવી છે. શરતો મુજબ, તેઓ કોર્ટની મંજૂરી વિના દેશ છોડી શકશે નહીં, પુરાવાઓ સાથે કોઈ છેડછાડ કરી શકશે નહીં અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે. કોર્ટે અંતમાં સ્પષ્ટ કર્યું કે આ જામીન માત્ર ધરપકડ રોકવા માટે છે, બાકીની ફોજદારી કાર્યવાહી કાયદા મુજબ ચાલુ રહેશે. આ ચુકાદાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
