<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સુપ્રીમ કોર્ટમાં પવન ખેડાની ‘દહાડ’: “આસામના CM ‘કોન્સ્ટિટ્યુશનલ રેમ્બો’ જેવું વર્તે છે, મને જેલમાં સડાવી દેવાની ધમકી આપી રહ્યા છે”, ધરપકડથી બચવા સિંઘવીની ધારદાર દલીલો

‘પેડા બનાવીશ અને પેલી નાખીશ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી મને ધમકાવવામાં આવી રહ્યો છે; હિમંતા બિસ્વા સરમાના નિવેદનો ટાંકીને પવન ખેડાએ આગોતરા જામીન માંગ્યા

નવી દિલ્હી, તા.30: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વચ્ચેનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. ખેડાના આગોતરા જામીન પર સુનાવણી દરમિયાન તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આસામના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, એક બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ 'બંધારણીય કાઉબોય' કે 'રેમ્બો' જેવું વર્તન કરી રહી છે અને મારા અસીલને જેલમાં મોકલી દેવાની ધમકીઓ આપી રહી છે.
“પેડા બનાવીશ” જેવા શબ્દોનો કોર્ટમાં ઉલ્લેખ
સુનાવણી દરમિયાન સિંઘવીએ હિમંતા બિસ્વા સરમાના કથિત નિવેદનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી સતત "પેડા બનાવી દઈશ" અને "પેલી નાખીશ" (Peda banaunga, pelunga) જેવા શબ્દોનો પ્રયોગ કરીને ડર ફેલાવી રહ્યા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે મુખ્યમંત્રીના કેટલાક નિવેદનો એટલા વાંધાજનક છે કે તેને ખુલ્લી અદાલતમાં વાંચી પણ શકાય તેમ નથી. સિંઘવીએ કહ્યું કે જો ડૉ. આંબેડકરે કલ્પના કરી હોત કે કોઈ બંધારણીય હોદ્દેદાર આવા શબ્દો બોલશે, તો તેઓ પણ ચોંકી ઉઠત.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત પવન ખેડાની એક પત્રકાર પરિષદથી થઈ હતી, જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે CM સરમાના પત્ની રિનિકી ભુયાન પાસે અનેક વિદેશી પાસપોર્ટ છે અને દુબઈમાં અઘોષિત મિલકતો છે. આ મામલે રિનિકી ભુયાને માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગૌહાટી હાઈકોર્ટે અગાઉ ખેડાના જામીન ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે "ખોટા દસ્તાવેજો" ક્યાંથી આવ્યા તેની તપાસ માટે કસ્ટોડિયલ ઈન્ટરોગેશન (ધરપકડ કરી પૂછપરછ) જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
પવન ખેડા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, જો આવી પરિસ્થિતિમાં પણ આગોતરા જામીન ન મળે તો આ કાયદાનો હેતુ જ મરી જશે. તેમણે પૂછ્યું કે, માત્ર રાજકીય અદાવત સંતોષવા માટે ધરપકડ કરવી કેટલી યોગ્ય છે? જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ ચાંદુરકરની બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ પવન ખેડાને આસામ પોલીસની ધરપકડથી બચાવે છે કે નહીં.

(5:07 PM IST)