તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
પવન ખેરાનો ચૂંટણી પંચ પર પ્રહાર: ફોર્મ-૬ અને SIR પ્રક્રિયા ગેરકાયદેસર હોવાનો દાવો
સંસદની મંજૂરી વિના ફોર્મમાં કરાયેલા ફેરફારોથી લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા સામે ઊભા થયા ગંભીર સવાલો

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ પવન ખેરાએ ચૂંટણી પંચ પર આક્રમક પ્રહાર કરતા જણાવ્યું છે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ સામે આવેલા ફોર્મ-૬ ના મુદ્દે ચૂંટણી પંચે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. ફોર્મ-૬ એ વૈધાનિક સ્વરૂપ હોવાથી તેમાં કોઈપણ ફેરફાર માટે સંસદ દ્વારા નિયમોમાં સુધારો કરવો અનિવાર્ય છે, જે ન થવાને કારણે આ ફેરફારો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
આઇએએનએસ સાથેની વાતચીતમાં પવન ખેરાએ ઉમેર્યું કે જો ફોર્મ-૬ માં કરાયેલા ફેરફારો કાયદેસર ન હોય, તો તેના પર આધારિત એસ.આઈ.આર. (SIR) પ્રક્રિયા અને મતદારોના નામ ઉમેરવા કે કાઢી નાખવાની પ્રક્રિયા પણ શંકાના ઘેરામાં આવે છે. ECI-NET દ્વારા આ પ્રક્રિયાનું કેન્દ્રીકરણ થવાથી સ્થાનિક સ્તરે ERO ની પારદર્શિતા ઓછી થઈ છે અને તેની સીધી અસર બિહાર તથા બંગાળની ચૂંટણીઓ પર પડી રહી છે.
ગોવાના ૯૭ મતદારોના કેસનો ઉલ્લેખ કરતાં તેમણે પ્રશ્ન કર્યો કે દબાણ બાદ જો ત્યાં ૮૨ કેસ સુધારી શકાતા હોય, તો દેશભરમાં આવા કેટલા કૌભાંડો હશે. યુવા મતદારો માટે કોલેજોમાં કાઉન્ટર ન હોવાથી પડતી મુશ્કેલીઓ અને મતદારોને વીઆઈપી તથા નોન-વીઆઈપી શ્રેણીમાં વહેંચવા તે બંધારણની ભાવના વિરુદ્ધ હોવાનું જણાવી કોંગ્રેસે "મત ચોરી" વિરુદ્ધનું અભિયાન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
આ મામલે હવે માત્ર વિપક્ષ જ નહીં પરંતુ એનડીએના સહયોગી પક્ષો જેવા કે ચિરાગ પાસવાન અને ચંદ્રબાબુ નાયડુના પક્ષમાંથી પણ અવાજો ઉઠી રહ્યા છે, જેથી આ વિવાદ હવે વ્યાપક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને આગામી સમયમાં વિપક્ષી દળોની બેઠક બાદ આ અંગે વધુ રણનીતિ ઘડવામાં આવશે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
