<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

બાળકો માટે પેટીએમની મોટી ભેટ: બેંક ખાતા વગર પણ કરી શકશે UPI પેમેન્ટ : લોન્ચ થયું 'પોકેટ મની' ફીચર

હવે કિશોરો પણ બની શકશે ડિજિટલ ઇન્ડિયાનો ભાગ: માતા-પિતા રાખી શકશે ખર્ચ પર બાજ નજર: ₹15,000 સુધીની માસિક મર્યાદા અને રીઅલ-ટાઇમ મોનિટરિંગ સાથે પેટીએમનો નવો માસ્ટરસ્ટ્રોક

નોઈડા: ડિજિટલ પેમેન્ટની દુનિયામાં ક્રાંતિ લાવ્યા બાદ, પેટીએમ  એ હવે ખાસ કરીને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે 'પેટીએમ પોકેટ મની' (નામનું અદભૂત ફીચર લોન્ચ કર્યું છે. ૧૮ મેના રોજ કરાયેલી આ જાહેરાત મુજબ, હવે જે બાળકો પાસે પોતાનું બેંક ખાતું નથી, તેઓ પણ યુપીઆઈ (UPI) દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટ કરી શકશે. આ સુવિધા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના 'યુપીઆઈ સર્કલ' પર આધારિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને નાની ઉંમરથી જ નાણાકીય વ્યવસ્થાપન અને ડિજિટલ વ્યવહારો વિશે જાગૃત કરવાનો છે.

સુરક્ષા અને પારદર્શિતાને પ્રાથમિકતા આપતા, પેટીએમએ આ ફીચરમાં માતા-પિતાને સંપૂર્ણ નિયંત્રણ આપ્યું છે. પેરેન્ટ્સ તેમના બાળકો માટે મહિનાની મહત્તમ ₹15,000 સુધીની મર્યાદા નક્કી કરી શકે છે, જ્યારે એક વખતમાં વધુમાં વધુ ₹5,000 ની ચુકવણી કરી શકાશે. દરેક ટ્રાન્ઝેક્શનની વિગત માતા-પિતાને તુરંત જ મળશે, જેથી તેઓ જાણી શકશે કે પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે. એટલું જ નહીં, જો કોઈ અસામાન્ય પ્રવૃત્તિ જણાય, તો પેટીએમ યુપીઆઈ પિનનો ઉપયોગ કરીને આ સેવાને તાત્કાલિક બંધ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ સિસ્ટમને સેટ કરવી અત્યંત સરળ છે. માતા-પિતાએ માત્ર પોતાની પેટીએમ એપમાં જઈને 'પોકેટ મની' વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને બાળકના મોબાઈલ નંબર સાથે તેને લિંક કરવાનું રહેશે. શરુઆતના ૨૪ કલાકમાં છેતરપિંડી રોકવા માટે મર્યાદિત વ્યવહારોની મંજૂરી આપવામાં આવશે. આ નવા ફીચરથી બાળકોએ હવે નાની-મોટી ખરીદી માટે વારંવાર માતા-પિતાના ફોનની જરૂર નહીં પડે, જેનાથી વાલીઓનો સમય બચશે અને બાળકોમાં જવાબદારીની ભાવના કેળવાશે.

(10:52 PM IST)