<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

શાંતિ મંત્રણા કે મહાયુદ્ધની પૂર્વતૈયારી? જો ઈસ્લામાબાદ મિશન નિષ્ફળ જશે તો હોર્મુઝની સામુદ્રધુની બનશે ‘ડેથ ઝોન’, ચીનની એન્ટ્રીથી બદલાઈ શકે છે આખું સમીકરણ

યુદ્ધવિરામ છતાં લેબનોન પર ઈઝરાયેલનો કહેર યથાવત: ઈરાન અને અમેરિકા વચ્ચે શરતોની ટક્કર જો હિંસક વળાંક લેશે તો એશિયાના અર્થતંત્રમાં લાગશે આગ, પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પણ લટકતી તલવાર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે મંત્રણાના દોર ચાલી રહ્યા છે. 8 એપ્રિલે થયેલા કામચલાઉ યુદ્ધવિરામ બાદ હવે સૌની નજર આ મંત્રણાના પરિણામ પર છે. જોકે, રાજકીય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ વાતચીત કોઈ નિષ્કર્ષ વગર પૂરી થશે, તો મધ્ય-પૂર્વમાં 'પ્લાન બી' એટલે કે અત્યાર સુધીનું સૌથી ભયાનક યુદ્ધ શરૂ થઈ શકે છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં ભડકો થવાની ભીતિ
જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો તેની સૌથી પહેલી અને ગંભીર અસર 'હોર્મુઝ સ્ટ્રેટ' પર પડશે. ઈરાને અગાઉ આ દરિયાઈ માર્ગ બંધ કરવાની ધમકી આપી છે, જ્યાંથી વિશ્વનો 20% ક્રૂડ ઓઈલનો સપ્લાય પસાર થાય છે. અમેરિકી નૌકાદળ અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ વચ્ચે અહીં ગમે ત્યારે આમને-સામને ટક્કર થઈ શકે છે. જો આ માર્ગ બંધ થશે, તો ભારતે સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.
લેબનોન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વકરશે
મંત્રણામાં સૌથી મોટો પેચ લેબનોન મુદ્દે છે. ઈરાન માને છે કે લેબનોન યુદ્ધવિરામનો ભાગ છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ આ વાત સ્વીકારવા તૈયાર નથી. મંત્રણા નિષ્ફળ જવાની સ્થિતિમાં ઈઝરાયેલ લેબનોન પરના હુમલા તેજ કરશે, જેના જવાબમાં હિઝબુલ્લાહ અને ઈરાન ફરીથી સક્રિય થશે. આ ચક્રવ્યૂહમાં લેબનોન સૌથી વધુ વિનાશનો ભોગ બનશે તે નિશ્ચિત જણાય છે.
ચીનની એન્ટ્રી અને નવી સત્તાધરી ધરી
આ યુદ્ધમાં હવે ચીનની પરોક્ષ એન્ટ્રીએ અમેરિકાની ચિંતા વધારી છે. અહેવાલો મુજબ, ચીન આગામી દિવસોમાં ઈરાનને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સપ્લાય કરી શકે છે. જો શાંતિ મંત્રણા તૂટશે, તો ઈરાન ચીનના શસ્ત્રોના દમ પર અમેરિકા સામે વધુ આક્રમક વલણ અપનાવશે. ચીન એક તરફ શાંતિની વાતો કરે છે અને બીજી તરફ ઈરાનને લશ્કરી મદદ આપીને આ યુદ્ધને નવી ગતિશીલતા આપી રહ્યું છે.
પાકિસ્તાનની છબી દાવ પર
આશ્ચર્યજનક રીતે, આતંકવાદના આક્ષેપોથી ઘેરાયેલા પાકિસ્તાને આ વખતે મધ્યસ્થી તરીકે મેદાન માર્યું છે. જો આ મંત્રણા સફળ થશે તો પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારી શકશે, પરંતુ જો નિષ્ફળ જશે તો તેની વિશ્વસનીયતા કાયમ માટે ખતમ થઈ જશે. ઈઝરાયેલે પહેલા જ ચેતવણી આપી છે કે આતંકને પોષતા દેશમાં શાંતિની આશા રાખવી વ્યર્થ છે.
નિષ્ણાતોના મતે, ટેબલ પરની આ ચર્ચા જો નિષ્ફળ જશે તો તે માત્ર યુદ્ધની પુનઃશરૂઆત નહીં હોય, પરંતુ ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. હવે જોવાનું એ છે કે ઈસ્લામાબાદના બંધ રૂમમાંથી શાંતિનો સંદેશ બહાર આવે છે કે પછી નવી વિનાશક રણનીતિ!

(11:57 PM IST)