<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

શાંતિપૂર્ણ વિરોધ દરેક નાગરિકનો મૂળભૂત અધિકારઃ બોમ્‍બે હાઇકોર્ટ

પરંતુ વિરોધ કરનારની પૃષ્ઠભૂમિની તપાસ કરવી પણ જરૂરીઃ વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતાં પહેલાં જાહેર જનતાને થતી અગવડો પણ ધ્‍યાનમાં લેવી

મુંબઈ,તા.૨૦: શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ પોલીસની કાર્યવાહી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જેવા આદેશો આપતાં પહેલાં વિરોધ કરનાર વ્‍યક્‍તિની પૃષ્ઠભૂમિ અને તેના કારણે સામાન્‍ય જનતાને થતી અસુવિધા જેવા મુદ્દાઓને પણ ધ્‍યાનમાં લેવા જરૂરી છે, એવું બોમ્‍બે હાઈકોર્ટે અવલોકન વ્‍યક્‍ત કર્યું હતું.

ચીફ જસ્‍ટિસ મહેશચંદ્ર ત્રિપાઠી અને ન્‍યાયમૂર્તિ અદ્વૈત સેઠનાની ખંડપીઠે તાજેતરમાં દેશના મુખ્‍ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ મુંબઈ ખાતે યોજાયેલાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસે કેટલાક લોકોને ગેરકાયદે અટકાયતમાં રાખ્‍યા હોવાના આક્ષેપો કરતી અરજીઓના સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્‍યો હતો.

દિલ્‍હીમાં યોજાઈ રહેલાં વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં મુંબઈમાં શાંતિપૂર્ણ દેખાવો કરનારા લોકો સામે પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી મારપીટ અને અટકાયતના મુદ્દે એડવોકેટ સાવર દેવરેએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કોઈપણ વ્‍યક્‍તિની અટકાયત ન કરવા પોલીસને નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.

સોમવારે એડવોકેટ ગાયત્રી સિહે ચાર વ્‍યક્‍તિઓ વતી અરજી રજૂ કરી હતી. આ ચારેય વ્‍યક્‍તિઓએ ગયા અઠવાડિયે શાંતિપૂર્ણ રેલીમાં ભાગ લીધો હતો, ત્‍યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. ગાયત્રી સિહે કોર્ટને જણાવ્‍યું હતું કે આ ચાર વ્‍યક્‍તિઓને

આખો દિવસ અટકાયતમાં રાખવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તેમને ઘરે જવા દેવામાં આવ્‍યા હતા, પરંતુ પછીથી તેમને નજરકેદ કરવામાં આવ્‍યા હતા.

અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિહિર દેસાઈએ અન્‍ય બે વ્‍યક્‍તિઓનાં સોગંદનામાં પણ રજૂ કર્યાં હતાં. આ બંને વ્‍યક્‍તિઓને પોલીસે તેમના ઘરેથી અટકાયતમાં લીધા હોવાનો દાવો કરવામાં આવ્‍યો હતો

(10:10 AM IST)