તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
મિડલ ઈસ્ટમાં સૈન્ય મોરચે આર્થિક બોજ વધતા પેન્ટાગોને વધારાના નાણાં મેળવવા કવાયત શરૂ કરી: અત્યાર સુધીમાં અંદાજ કરતા ૮ અબજ ડોલર વધુ ખર્ચાયા હોવાનો ખુલાસો
ઈરાન સામેના સૈન્ય સંઘર્ષમાં અમેરિકાએ ૩૭.૫ અબજ ડોલર સ્વાહા કર્યા બાદ સંરક્ષણ મંત્રાલયે ઈમરજન્સી ખર્ચ માટે કોંગ્રેસ પાસે વધુ ૮૭ અબજ ડોલરના અધધ ભંડોળની તાકીદે માગ કરી

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં ઈરાન અને તેની સમર્થિત શક્તિઓ સામે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે સુપર પાવર અમેરિકાની તિજોરી પર અભૂતપૂર્વ આર્થિક બોજ આવી પડ્યો છે. આ મોરચે અમેરિકાનો સૈન્ય ખર્ચ અગાઉના તમામ અંદાજોને વટાવીને અત્યંત ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી (રક્ષા મંત્રી) પીટ હેગસેથે સિનેટની એપ્રોપ્રિએશન્સ કમિટી સમક્ષ સત્તાવાર વિગતો રજૂ કરી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ઈરાન વિરુદ્ધના આ સૈન્ય અભિયાનમાં અમેરિકા અત્યાર સુધીમાં અધધ કહી શકાય તેવા ૩૭.૫ અબજ ડૉલર (ભારતીય ચલણમાં આશરે ૩.૨ લાખ કરોડ રૂપિયા) નો ખર્ચ કરી ચૂક્યું છે.
સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન દ્વારા ચાલુ વર્ષના મે મહિનામાં જે આર્થિક અંદાજ લગાવવામાં આવ્યો હતો, તેના કરતાં આ વાસ્તવિક ખર્ચ ૮ અબજ ડૉલર જેટલો વધારે નોંધાયો છે. ખર્ચમાં થયેલા આ ચિંતાજનક વધારાને પગલે પેન્ટાગોન દ્વારા હવે અમેરિકન કોંગ્રેસ પાસે તાકીદના ધોરણે વધુ ૮૭ અબજ ડૉલરના વધારાના ઈમરજન્સી ફંડની માગણી મૂકવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સૂચિત ફંડમાંથી અંદાજે ૬૭ અબજ ડૉલરની માતબર રકમ સીધી મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ક્ષેત્રમાં સક્રિય સૈન્ય ઓપરેશન્સ અને સુરક્ષા પાછળ ફાળવવામાં આવશે.
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ વધારાના ભંડોળની જરૂરિયાતને રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત અનિવાર્ય ગણાવી છે. તેમણે સિનેટ કમિટી સમક્ષ દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ૧.૫ ટ્રિલિયન ડૉલરનું વાર્ષિક ડિફેન્સ બજેટ વાસ્તવમાં અમેરિકન સેનાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેનું એક મહત્ત્વપૂર્ણ રોકાણ છે. જો કોંગ્રેસ દ્વારા આ વધારાના ૮૭ અબજ ડૉલરના ફંડને તાકીદે મંજૂરી આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મોરચે તહેનાત સૈનિકોના વેતનની ચૂકવણી કરવા તેમજ સૈન્ય મથકો માટે જરૂરી અત્યાધુનિક હથિયારો અને દારૂગોળાની ખરીદીના ચૂકવણામાં ગંભીર અવરોધો ઊભા થઈ શકે છે. આ નાણાકીય કટોકટીના કારણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનોને કોઈપણ અટકાવ વિના સતત ચાલુ રાખવામાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેવી ચેતવણી પણ પેન્ટાગોન દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ, યુદ્ધના ખર્ચમાં થઈ રહેલા અવિરત વધારા અને વારંવાર નવા ભંડોળની માગણીને લઈને અમેરિકન કોંગ્રેસના સભ્યોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અને આ નવા ફંડિંગની દરખાસ્ત સામે ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
