તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
પેન્ટાગોનનું મોટું પગલું, અમેરિકન શસ્ત્રોની ગોપનીય માહિતી મીડિયામાં લીક થવાના કેસમાં ડઝનબંધ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓના પોલીગ્રાફ ટેસ્ટ લેવાયા
અમેરિકાના અત્યાધુનિક શસ્ત્રો અને મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ દારૂગોળા અંગેની સંવેદનશીલ વિગતો બહાર આવ્યા બાદ રક્ષણ અને ન્યાય વિભાગે સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવી તપાસ શરૂ કરી

વોશિંગ્ટન: અમેરિકી સેનાના અત્યાધુનિક શસ્ત્રો અને મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ એડવાન્સ દારૂગોળા સંબંધિત અત્યંત સંવેદનશીલ અને ગોપનીય માહિતી મીડિયામાં લીક થવાના મામલે ભારે ખળભળાટ મચી ગયો છે. સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ગંભીર લીકની તપાસના ભાગરૂપે અમેરિકી સેનાના અનેક ઉચ્ચ અધિકારીઓનો લાઈ ડિટેક્ટર એટલે કે પોલિગ્રાફ ટેસ્ટ લેવામાં આવ્યો છે.
આ મામલે મળેલી વિગતો અનુસાર, આ વર્ષની ગ્રીષ્મઋતુની શરૂઆતમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના અધિકારીઓ અને અન્ય કોમ્બેટન્ટ કમાન્ડર્સ સહિત ડઝનબંધ લોકોના પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આટલા મોટા પાયે ઉચ્ચ અધિકારીઓને પોલિગ્રાફ ટેસ્ટ માટે બોલાવવાની ઘટનાને અત્યંત અસાધારણ ગણાવવામાં આવી રહી છે. ટેસ્ટ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓ પર ઊંડી પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, મીડિયામાં માહિતી લીક કરવાના પ્રશ્નો અંગે અત્યાર સુધીમાં કોઈ અધિકારી આ ટેસ્ટમાં નાપાસ થયા હોવાના સત્તાવાર અહેવાલ નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ માહિતી લીક થવાની ઘટનાથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત નારાજ થયા છે. ગોપનીય શસ્ત્રો અને સાધનો સુધી પહોંચ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ જ સીમિત હોવાથી, કોઈ વિદેશી ગુપ્તચર એજન્સી માટે કામ કરતી વ્યક્તિ દ્વારા આ માહિતી લીક કરાઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. જોકે, પેન્ટાગનના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન ડનફોર્ડનો આ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો.
આ અંગે પેન્ટાગનના મુખ્ય પ્રવક્તા શૌન પાર્નેલે જણાવ્યું હતું કે, લશ્કર વિભાગ અંદરની તપાસ પર સીધી ટિપ્પણી કરતું નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગોપનીય માહિતી લીક થવાના મામલાને અત્યંત ગંભીરતાથી લે છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાન સાથે વધેલા તણાવ દરમિયાન અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા અદ્યતન શસ્ત્રો, તેમના કુલ સ્ટોક અને વ્યુહરચનાત્મક તૈનાતી અંગેના અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા બાદ આ તપાસ શરૂ કરાઈ હતી. જુલાઈ મહિનામાં અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પેન્ટાગન અને ન્યાય વિભાગ વચ્ચે સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી હતી, જેનો મુખ્ય હેતુ ગોપનીય વિગતો લીક કરનારા શંકાસ્પદ લોકોની ઓળખ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવાનો છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
