તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
આઈટી પોર્ટલના અત્યારથી જ ધાંધિયાને કારણે રિટર્ન ભરવામાં લોકોને પરેશાની
રજિસ્ટર નંબર પર ઓટીપ આવવામાં લાગતો ૩૦ મિનિટનો સમય

મુંબઈ,તા.૦૩: ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની કરદાતાઓએ શરૂઆત કરી દીધી છે, પરંતુ પોર્ટલ ધીમું ચાલતું હોવાના કારણે કરદાતાઓએ રિટર્ન ભરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રિટર્ન અપલોડ કરવા માટે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવતા ૩૦ મિનિટ સુધીનો સમય વીતી જાય છે. જેથી કરદાતાઓએ રિટર્ન ભરવા માટે રાહ જોવાની નોબત ઊભી થઈ રહી છે.
વેપાર સિવાયના લોકો દ્વારા આગામી ૩૧ જુલાઈ પહેલા આઈટી રિટર્ન ફાઈલ કરી દેવાના હોય છે. તેમાં પણ ૧૫ જૂનની આસપાસ કરદાતાઓએ રિટર્ન ભરવાની શરૂઆત કરી છે. જેથી રિટર્ન ભરવા માટે દોઢ મહિનાનો સમય મળવાનો છે. તેમાં પણ રિટર્ન ભરવા માટે છેલ્લા એક સપ્તાહનો સમય બાકી રહેતા હોય ત્યારે આઈટી પોર્ટલ ધીમું પડી જવાની ફરિયાદ સમયાંતરે ઉઠતી હોય છે. જ્યારે હજુ તો જુલાઈ મહિનાના બે દિવસ જ થયા છે ત્યાં પોર્ટલ ધીમું પડવાની ફરિયાદો ઉઠવા માંડી છે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે રિટર્ન ભરવા માટે તમામ વિગતો ભરવામાં આવ્યા બાદ અપલોડ કરતી વખતે ઓટીપી જરૂરી હોય છે. પરંતુ તે ઓટીપી જ ઝડપથી આવતો નહીં હોવાથી પરેશાની થઈ રહી છે. જેથી આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે હજુ તો ૩૧ જુલાઈ આવવાને વાર છે પરંતુ અત્યારથી જ આવી સમસ્યા આવી રહી હોય છેલ્લા દિવસોમાં પરેશાની વધવાની શક્યતા રહેલી છે. તે પહેલા પોર્ટલને યોગ્ય રીતે કાર્યરત કરવામાં આવે તો કરદાતાઓએ રિટર્ન ભરવામાં તકલીફ પડશે નહીં.
આ ઉપરાંત રિટર્ન ભરવામાં આવ્યા બાદ તેને ઈ-વેરીફાય કરવું પણ એટલું જ જરૂરી છે. આ માટે પણ આઈટી પોર્ટલ પર રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યા બાદ તેને પોર્ટલ પર લખવો પડતો હોય છે. ત્યારબાદ જ આઈટીમાં કરદાતાનું રિટર્ન ભરવામાં આવ્યાની ગણતરી કરી શકાશે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
