<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

લોકો મોંઘવારીમાં પિસાઈ રહ્યા છે અને સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્‍ય માણસ માટે તો બે છેડા ભેગા કરવા જ મુશ્‍કેલ થઈ ગયા છે ત્‍યારે તેનો ઉકેલ લાવવાના બદલે ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પોતાપોતાના હિસાબ સરભર કરવા માટે સાવ ક્ષુલ્‍લક રાજકીય મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે

ભારતમાં રાજકારણનું સ્‍તર સાવ નીચું ઊતરી ગયું છે અને આપણા રાજકારણીઓને સામાન્‍ય લોકોની તકલીફોની તો કોઈ પરવા જ નથી

નવી દિલ્‍હી,તા.૦૨: ભારતમાં રાજકારણનું સ્‍તર સાવ નીચું ઊતરી ગયું છે અને આપણા રાજકારણીઓને સામાન્‍ય લોકોની તકલીફોની તો કોઈ પરવા જ નથી એ વરવી વાસ્‍તવિકતાનું રવિવારે ફરી આખી દુનિયા સામે દેશની રાજધાની દિલ્‍હીમાં વરવું પ્રદર્શન થયું. ભારતમાં લોકો મોંઘવારીમાં પિસાઈ રહ્યા છે અને સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્‍ય માણસ માટે તો બે છેડા ભેગા કરવા જ મુશ્‍કેલ થઈ ગયા છે ત્‍યારે તેનો ઉકેલ લાવવાના બદલે ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પોતાપોતાના હિસાબ સરભર કરવા માટે સાવ ક્ષુલ્‍લક રાજકીય મુદ્દાઓની ચૂંથ કરી રહ્યા છે એ આખી દુનિયાએ જોયું.

આ વરવા પ્રદર્શનમાં એક તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ચૂંટણી પંચે સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રીવીઝન (એસઆઈઆર)ના બહાને ભાજપને ચૂંટણીઓ જીતવામાં મદદ કરી હોવાના આક્ષેપ સાથે દિલ્‍હીના રામલીલા મેદાનમાં જંગી સભા કરીને દિલ્‍હીના જનજીવનને ઠપ્‍પ કરી દીધું તો બીજી તરફ ભાજપે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના પીડિતોની કૂચ કાઢીને ૪૦ વર્ષ પહેલાંની ઘટનાના નામે પાછું રાજકારણ શરૂ કરી દીધું.  

વિપક્ષી રેલીમાં લાખોની સંખ્‍યામાં ઊમટેલા વિપક્ષી કાર્યકરોના કારણે દિલ્‍હીમાં દિવાળી ટાણે જ બજારો બંધ રાખવાં પડ્‍યાં તેના કારણે વેપારીઓને કરોડોનો ફટકો પડી ગયો. રામલીલા મેદાનની રેલીમાં જોરદાર ભાષણબાજી થઈ પણ આ ભાષણબાજીમાં નવું કશું નથી. રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ ને ખાસ તો મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે મતદાર યાદીમાં ગરબડો કરીને મોટા પાયે મતચોરી કરી હોવાના આક્ષેપ મૂક્‍યા ને જ્ઞાનેશકુમારને ઘરભેગા કરી દેવાની માગણી કરી.

લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો આ અધિકારનો ઉપયોગ કરીને રેલી કાઢે કે જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી કરે તેમાં કશું ખોટું નથી પણ સમસ્‍યા એ છે કે, વિપક્ષો ખાલી હોહા કરી રહ્યા છે, ખરેખર કશું ખોટું થયું છે તેના પુરાવા લોકો સામે મૂકી રહ્યા નથી. ચૂંટણી પંચે સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન (એસઆઈઆર) દ્વારા ૧૩ કરોડ મતદારોનાં નામ ભાજપને મદદ કરવા મતદાર યાદીમાંથી દૂર કરી દીધાં હોવાનો વિપક્ષોનો આક્ષેપ છે.

સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન (એસઆઈઆર)ના બહાને ૧૩ કરોડ મતદારો દૂર થયા એ વાત સાચી છે કેમ કે ચૂંટણી પંચે સત્તાવાર રીતે જ આ વાત કહી છે પણ સવાલ એ છે કે, ખરેખર જેમનાં નામ દૂર થયાં એ બધા કોણ છે? એ બધા ભારતના નાગરિકો હતા કે પછી એમ જ તેમનાં નામ ઘુસાડી દેવાયેલાં ? આપણને ખબર નથી પણ વિપક્ષો કહે છે કે, ભાજપ વિરોધી મતદારોનાં નામ ઉડાવી દેવાયાં છે.

આ વાત સાચી હોય તો વિપક્ષે તેના પુરાવા જનતા સામે મૂકવા જોઈએ. જેમનાં નામ કાઢી નખાયાં છે એવા ૧૩ કરોડ મતદારોની વાત મૂકો પણ વિપક્ષો ૧૩ હજાર લાયક મતદારોનો ડેટા લાવીને મૂકે તો પણ તેમની વાત પર ભરોસો કરી શકાય. વિપક્ષો ૧૩ હજારની વાત છોડો પણ ૧૩૦૦ મતદારોનાં નામ પણ જાહેર નથી કરી શક્‍યા પછી તેમની વાત કઈ રીતે મનાય?

વિપક્ષો અત્‍યારે જે હોહા કરે છે એ પણ પોતે કરેલી મહેનતના આધારે નહીં પણ ટોચના અંગ્રેજી અખબારે છાપેલા ઈન્‍વેસ્‍ટિગેટિવ રિપોર્ટના આધારે છે. આ રિપોર્ટમાં સ્‍પેશિયલ ઈન્‍ટેન્‍સિવ રિવિઝન (એસઆઈઆર)ના બહાને મતદારોનાં નામ કમી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સોફટવેરમાં ગરબડ હોવા સહિતના ઘણા આક્ષેપો છે.

આ આક્ષેપો ખોટા છે એવું ચૂંટણી પંચે કહ્યું પણ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી તેથી માની શકાય કે, ચૂંટણી પંચનો પગ પણ કુંડાળામાં પડેલો જ છે પણ કઈ રીતે પડેલો છે, પંચે શું ગરબડ કરી છે તેના પુરાવા તો વિપક્ષોએ લોકો સામે મૂકવા જોઈએ કે નહીં ? વિપક્ષો એ મહેનત કરી રહ્યા નથી ને દેકારો મચાવી રહ્યા છે. વિપક્ષો ખરેખર આ મુદ્દે ગંભીર હોય તો તેમણે રોજ જ ૧૦૦૦ એવા મતદારોને લોકો સામે લાવીને ઊભા કરવા જોઈએ કે જેમનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નખાયાં છે. મહિના લગી રોજ જ વિપક્ષ આ મહેનત કરે તો આપોઆપ ચૂંટણી પંચની ઘાલમેલ છતી થઈ જાય પણ વિપક્ષો એ કરતા નથી.

ભાજપની હાલત પણ એવી જ છે. મોંઘવારી સહિતના મુદ્દે ભાજપના નેતાઓની બોલતી બંધ છે, વધતી મોંઘવારીના કારણે લોકોની હાલત ખરાબ છે ત્‍યારે ભાજપ પાસે તેમના માટે સહાનુભૂતિના બે બોલ નથી ને ૪૦ વર્ષ પહેલાં રમખાણોમાં માર્યા ગયેલાં લોકો માટે ભાજપ સહાનુભૂતિનો ધોધ વહાવી રહ્યો છે. વિપક્ષોનો મુકાબલો કરવા ભાજપે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના પીડિત પરિવારો, શીખ સમુદાયની એક કિલોમીટર લાંબી કૂચ પણ કાઢી.

પશ્‍ચિમ દિલ્‍હીમાં હરિ નગરથી તિલક નગર સુધી લગભગ એક કિલોમીટર સુધીની કૂચમાં પાંખી હાજરી હતી ને લગભગ પાંચેક હજાર માણસો ઉમટ્‍યાં. આ કૂચ પહેલાં ભાજપે હાસ્‍યાસ્‍પદ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ૧ નવેમ્‍બરનો દિવસ એટલા માટે પસંદ કર્યો છે કે, ઈન્‍દિરા ગાંધીની હત્‍યા પછી ૧ નવેમ્‍બરે દિલ્‍હી સહિતના વિસ્‍તારોમાં શીખોની મોટા પાયે કત્‍લેઆમ થઈ હતી. કોંગ્રેસે ૧ નવેમ્‍બરે રેલી યોજીને શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

ભાજપના પક્ષે કોમેડી પાછી એ છે કે, આ કૂચનું નેતૃત્‍વ કેન્‍દ્રીય મંત્રી હરદીપસિહ પુરીએ કર્યું કે જે પોતે કૂમળી વયનાં છોકરાં-છોકરીઓનું શારીરિક શોષણ કરીને તેમની સાથે શરીર સંબધો બાંધવા માટે વગોવાયેલા જેફરી એપસ્‍ટેઈન સાથેના સંબધો અને આ સંબધો અંગે આખા દેશ સામે જૂઠ બોલવા બદલ બદનામ થઈ ગયા છે. ભાજપને પણ બીજો કોઈ નેતા ના મળ્‍યો કે, પુરી જેવા છાપેલા કાટલાને વિપક્ષી મોરચાની સામે જંગ ખેલવા મેદાનમાં ઉતારી દીધા. ભાજપ પુરી સામેના આક્ષેપો અંગે ચાવ ચૂપ છે પણ ૧૯૮૪નાં રમખાણો મુદ્દે હોહા કરે છે એ જોતાં વિપક્ષોમાં ને ભાજપમાં કોઈ ફરક જ નથી લાગતો.

ઈન્‍દિરા ગાંધીની ૩૧ ઓક્‍ટોબર, ૧૯૮૪ના રોજ થયેલી હત્‍યાના પગલે ફાટી નીકળેલાં શીખ વિરોધી રમખાણો દેશના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ છે. હજારો શીખોને વગર વાંકે મારી નંખાયા એ પાપ બદલ કોંગ્રેસને માફ ના કરી શકાય ને આ કાળાં કામો કરનારા કોંગ્રેસીઓને સજા પણ થવી જ જોઈએ પણ ભાજપ એ કરાવી શક્‍યો છે ? બિલકુલ નહીં. કેન્‍દ્રમાં છેલ્‍લાં ૧૨ વર્ષથી સત્તા ભોગવતા ભાજપે શીખોને ન્‍યાય અપાવવાની કસમો ખાધેલી. એ કસમો એમ જ છે ને ભાજપ એ અંગે કશું બોલતો નહોતો, હવે વિપક્ષોની રેલીનો રેલો આવ્‍યો એટલે ભાજપને શીખો યાદ આવી ગયા.(સાભારઃમુંબઈ સમાચાર)

(10:18 AM IST)