<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મોસ્‍કોમાં ‘કાળો વરસાદ' વરસતા લોકો ડર્યા

યુક્રેનના ડ્રોન હૂમલા બાદ રૂસના લોકો દહેશતમાં: ઓઈલ રિફાઈનરી ભડકો બળતા અર્ધ સળગેલા કાર્બન અને ઓઈલના કણો ધુમાડામાં ભળી જતા કાળો વરસાદ વરસ્‍યો : લોકોના વાહનો-કપડા-રસ્‍તા પર કાળા રંગના ચીકણા ઓઈલના ટીપા અને મેસ જામી ગઈઃ વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો ચિંતામાં મૂકાયા : યુક્રેને ૧૦૦૦થી વધુ ડ્રોનથી કર્યો હૂમલો

 

મોસ્‍કો, તા.૧૯: રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે એક અત્‍યંત ભયાનક અને અણધાર્યા વળાંક પર પહોંચી ગયું છે. યુક્રેને તમામ સરહદો વટાવીને રશિયાની રાજધાની મોસ્‍કોને નિશાન બનાવી અત્‍યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ભયંકર હુમલો કર્યો છે. યુક્રેને ૧૦૦૦થી વધુ ડ્રોન દાગીને મોસ્‍કોને હચમચાવ્‍યું હતું. આ આક્રમણે રશિયાના અત્‍યાધુનિક ગણાતા સંરક્ષણ કવચના લીરેલીરા ઉડાવી દીધા છે. અત્‍યાર સુધી સરહદો પર લડાતું આ યુદ્ધ હવે સીધું રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિનના ઘરના આંગણે આવીને ઊભું રહી ગયું છે, જેનાથી સમગ્ર ક્રેમલિન પ્રશાસન સ્‍તબ્‍ધ છે. આ ભીષણ અગ્નિકાંડના થોડા જ કલાકોમાં મોસ્‍કો અને તેના આસપાસના વિસ્‍તારોમાં એક એવી કુદરત વિરોધી ઘટના ઘટી, જેણે સ્‍થાનિક રહેવાસીઓને આતંકથી ધ્રુજાવી દીધા. આકાશમાંથી સામાન્‍ય પાણીના ટીપાંના બદલે ચીકણો, કાળો અને કેમિકલયુક્‍ત કાળો વરસાદ વરસવા લાગ્‍યો હતો. રિફાઇનરીમાં લાગેલી આગને કારણે ઓક્‍સિજનના અભાવે હાઇડ્રોકાર્બન સંપૂર્ણ બળી શકયા નહોતા, જેના લીધે અબજો સૂક્ષ્મ કાર્બન કણો અને બળેલા ક્રૂડ ઓઇલના ટીપાં પ્રચંડ ગરમીના થર્મલ અપડ્રાફ્‌ટના કારણે વાતાવરણમાં ખૂબ ઊંચે ચડી ગયા હતા. ત્‍યાં ઠંડી હવા અને ભેજ સાથે ઘનીકરણ પામીને આ તેલયુક્‍ત ટીપાં કુદરતી વરસાદ સાથે નીચે ખાબકયા હતા.

 આ ઓપરેશન દરમિયાન યુક્રેનિયન આત્‍મઘાતી ડ્રોન્‍સે મોસ્‍કોની સૌથી મહત્‍વપૂર્ણ ગણાતી ઓઇલ રિફાઇનરીને પોતાનું મુખ્‍ય લક્ષ્ય બનાવી હતી. ડ્રોન અથડાતાની સાથે જ રિફાઇનરીમાં એક પછી એક પ્રચંડ વિસ્‍ફોટો થયા હતા, જેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ક્ષણભરમાં જ આખી રિફાઇનરી આગની ઝપેટ આવી ગઈ હતી અને તેમાંથી નીકળેલા કાળા અને ઝેરી ધુમાડાના કદાવર વાદળોએ મોસ્‍કોના આકાશને સંપૂર્ણપણે ઘેરી લીધું હતું. આ ભયાનક દ્રશ્‍યો જોઈને સ્‍થાનિક નાગરિકોમાં ભારે નાસભાગ અને ગભરાટ ફેલાયો હતો.

આ ભીષણ હુમલાના કારણે મોસ્‍કોમાં સનસનાટી મચી ગઈ છે અને રશિયાની આર્થિક લાઈફલાઈન સમાન તેલ ઉદ્યોગને જોરદાર ફટકો પડ્‍યો છે. વિસ્‍ફોટ એટલો પ્રચંડ હતો કે કાપોટન્‍યા રિફાઇનરીમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટાએ સમગ્ર રાજધાનીના આકાશને ઘેરી લીધું હતું. સલામતીના ભાગરૂપે મોસ્‍કોના ચાર મુખ્‍ય આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પરથી તમામ વાણિજ્‍યિક ફ્‌લાઇટ્‍સ તાત્‍કાલિક ધોરણે રોકી દેવી પડી હતી, જેનાથી હજારો મુસાફરો અટવાઈ પડ્‍યા હતા અને આખા દેશમાં અફરાતફરી મચી ગઈ હતી.

રશિયન સંરક્ષણ મંત્રાલયે આ કટોકટીના જવાબમાં ઉતાવળે એક સત્તાવાર નિવેદન જારી કરવું પડ્‍યું હતું. રશિયાએ દાવો કર્યો છે કે તેણે દેશભરમાં એક વિશાળ એર ડિફેન્‍સ ઓપરેશન ચલાવીને રેકોર્ડબ્રેક ૯૯૨ યુક્રેનિયન ડ્રોનને હવામાં જ તોડી પાડ્‍યા છે, જેમાંથી ૧૯૪ ડ્રોન સીધા રાજધાની મોસ્‍કો પર ત્રાટકવા માટે આગળ વધી રહ્યા હતા. જો કે, રશિયાના આ ભવ્‍ય દાવાઓ છતાં, વ્‍યૂહાત્‍મક રીતે મહત્‍વપૂર્ણ એવી ઓઇલ રિફાઇનરી સંપૂર્ણપણે નષ્ટ થતાં રશિયાની વાસ્‍તવિક સુરક્ષા વ્‍યવસ્‍થા અને સજ્જતા પર ગંભીર આંતરરાષ્‍ટ્રીય સવાલો ઊભા થયા છે.

આ ઐતિહાસિક સફળતા બાદ યુક્રેનના રાષ્‍ટ્રપતિ ઝેલેન્‍સકીએ વૈશ્વિક સ્‍તરે સનસનાટી મચાવતું અત્‍યંત આક્રમક અને તીખા શબ્‍દો વાળું નિવેદન જારી કર્યું છે. ઝેલેન્‍સકીએ રશિયાને ખુલ્લી ચેતવણી આપતા સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે, જો યુક્રેન બળી જશે, તો તમારું મોસ્‍કો પણ બળી જશે. તેમનું આ આકરૂં વલણ સાબિત કરે છે કે યુક્રેન હવે માત્ર પોતાના બચાવ માટે લડી રહ્યું નથી, પરંતુ રશિયાના આર્થિક અને લશ્‍કરી હૃદય સમાન ઠેકાણાઓ પર ઊંડો અને અસહ્ય પ્રહાર કરવાની આક્રમક વ્‍યૂહરચના અપનાવી ચૂકયું છે.

આ ભીષણ તબાહી અને બંને દેશોના બદલાયેલા તેવર જોતાં હવે યુદ્ધવિરામ કે શાંતિની તમામ આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. મોસ્‍કોમાં લાગેલી આ આગ માત્ર એક રિફાઇનરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રશિયન ગૌરવ અને અહંકાર પર વાગેલો મોટો ફટકો છે. આ વિનાશક ઘટના બાદ બંને પક્ષે વેરની અગ્નિ વધુ તેજ બની છે, જે સંકેત આપે છે કે આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ વિકરાળ, લોહિયાળ અને આખા યુરોપને ધ્રુજાવનારૂં સ્‍વરૂપ ધારણ કરી શકે છે. (રર.૧૮)

 

(2:59 PM IST)