તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
યુરિયા કટોકટીનો કાયમી અંત: ભારતમાં સ્થપાશે ૯ નવા હાઇટેક પ્લાન્ટ : આયાત પર નિર્ભરતા થશે શૂન્ય
સરકારે મંજૂર કરી નવી રાષ્ટ્રીય રોકાણ નીતિ : વાર્ષિક ૧૦ મિલિયન ટન વધારાના રેકોર્ડબ્રેક ઉત્પાદન સાથે ખાતર ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત'નો માસ્ટર પ્લાન તૈયાર

નવી દિલ્હી : વધતી જતી ખેતી, બદલાતા પાક ચક્ર અને યુરિયાની આકાશને આંબતી માંગ વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકે દેશને યુરિયા ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા માટે નવી રાષ્ટ્રીય રોકાણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે. આ ક્રાંતિકારી યોજના હેઠળ દેશભરમાં ૮ થી ૯ નવા ગેસ આધારિત આધુનિક પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેનાથી વાર્ષિક ૧૦ મિલિયન (૧ કરોડ) ટનની વધારાની મજબૂત ઉત્પાદન ક્ષમતા ઉભી થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માસ્ટર પ્લાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નવી નીતિ ખાનગી, સરકારી અને સહકારી એમ ત્રણેય ક્ષેત્રોના સહિયારા પ્રયાસોથી દેશની ખેતીનું ચિત્ર બદલી નાખશે.
વર્તમાન સમયમાં દેશમાં યુરિયાની વાર્ષિક માંગ અંદાજે ૪૦ મિલિયન ટન છે, જેની સામે આપણું સ્થાનિક ઉત્પાદન માત્ર ૩૦ મિલિયન ટન જેટલું જ થાય છે. આ ૧૦ મિલિયન ટનની મોટી ખાધને પૂરી કરવા માટે દર વર્ષે ભારતને વિદેશોથી મોંઘા ભાવે યુરિયાની આયાત કરવી પડે છે, જેના કારણે સરકારી તિજોરી પર સબસિડીનું ભારે ભારણ વધે છે અને વૈશ્વિક બજારની કિંમતોની સીધી અસર દેશના ખેડૂતો પર થાય છે. વર્ષ ૨૦૧૨ની જૂની નીતિની મુદત ૨૦૧૯માં પૂર્ણ થયા બાદ, સરકારે આ નવી નીતિમાં રોકાણકારો માટે બજારને વધુ આકર્ષક બનાવ્યું છે. હવે આ નીતિ અંતર્ગત રોકાણકારોની ઇક્વિટી પર ઓછામાં ઓછું ૧૨ ટકા અને મહત્તમ ૧૬ ટકા વળતર (રીટર્ન) સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જે ખાતર ઉદ્યોગમાં મોટા પાયે નવું ખાનગી રોકાણ આકર્ષવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
નવી નીતિ માત્ર ઉત્પાદન વધારવા પૂરતી સીમિત નથી, પરંતુ તે ટેકનોલોજી અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ અત્યંત પ્રગતિશીલ છે. નવા સ્થપાનારા તમામ ગેસ-આધારિત પ્લાન્ટ્સ અદ્યતન ઉર્જા કાર્યક્ષમતા સાથે ચાલશે, જેનાથી પ્રદૂષણ ઘટશે અને પ્રત્યેક નવા પ્લાન્ટ દીઠ આશરે ₹૨૫૦ કરોડની માતબર બચત થશે. આ ઉપરાંત, વિદેશી હૂંડિયામણ (ડોલર) ના દરમાં થતી વધઘટના જોખમને પહોંચી વળવા માટે પ્રોજેક્ટ પૂર્ણ થયાના ચાર વર્ષ બાદ નિશ્ચિત ખર્ચને રૂપિયામાં રૂપાંતરિત કરવાની નવતર જોગવાઈ કરવામાં આવી છે. આ માસ્ટર પ્લાન જો સમયસર જમીન પર ઉતરશે, તો ટૂંક સમયમાં જ ભારત વિદેશી આયાતના ચક્રવ્યૂહમાંથી મુક્ત થઈને વૈશ્વિક સ્તરે ખાતર ક્ષેત્રનું નવું પાવરહાઉસ બનીને ઉભરશે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
