<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

પેન્શનરોના પ્રશ્નોનો આવશે કાયમી ઉકેલ: દિલ્હી પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ ઓફિસ દ્વારા ઓગસ્ટમાં યોજાશે ભવ્ય 'પેન્શન અદાલત'

BSNL, MTNL અને ટેલિકોમ વિભાગના પેન્શનરો માટે મોટી તક: PPO, સર્વિસ બુક અને પેન્શન વિતરણ જેવી ફરિયાદોનું સ્થળ પર જ થશે નિવારણ

નવી દિલ્હી : સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ પેન્શનરોને તેમની ફરિયાદો અને વહીવટી મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (CCA) ના કાર્યાલય દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં એક વિશેષ 'પેન્શન અદાલત'નું આયોજન કરવામાં આવનાર છે. આ અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોની લાંબા સમયથી અટકેલી ફરિયાદોનો ઝડપી અને સંતોષકારક નિકાલ લાવવાનો છે.

આગામી ઓગસ્ટ મહિનાની ૬ઠ્ઠી તારીખે દેશની રાજધાની નવી દિલ્હીમાં આ પેન્શન અદાલત ભરાશે. આ અદાલતમાં ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને દિલ્હી સર્કલના મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) ના નિવૃત્ત કર્મચારીઓ ભાગ લઈ શકશે. જે પેન્શનરોના પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) જારી કરવામાં વિલંબ થયો હોય, સર્વિસ બુકની જાળવણીમાં ખામી હોય કે પછી પેન્શન વિતરણને લગતી કોઈ પણ સમસ્યા હોય, તેઓ આ અદાલતનો આશરો લઈ શકે છે.

મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ પેન્શન અદાલતમાં માત્ર વહીવટી અને સેવાકીય ફરિયાદોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે. જે બાબતો કેસ સ્વરૂપે કોઈ પણ કોર્ટ કે અદાલતમાં વિચારણા હેઠળ (સબ-જ્યુડિસ) હશે, તેવી કાનૂની બાબતો પર અહીં કોઈ વિચાર કરવામાં આવશે નહીં. આ સાથે જ, આ અદાલતમાં માત્ર અગાઉથી નોંધાયેલી ફરિયાદો પર જ સુનાવણી કરવામાં આવશે.

જો આપ પણ આ વિભાગોના પેન્શનર છો અને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ચાલુ જુલાઈ મહિનાની ૨૦મી તારીખ પહેલાં પોતાની ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે. પેન્શનરો પોતાની ફરિયાદ [email protected] પર ઈ-મેલ દ્વારા મોકલી શકે છે. આ ઉપરાંત, વિભાગના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦૧૧૮૧૧૯ પર કૉલ કરીને અથવા 'સંચાર લેખા ભવન'ના ટપાલ સરનામે સીધી અરજી મોકલીને પણ પોતાની ફરિયાદની નોંધણી કરાવી શકે છે. પેન્શનરોના હિતમાં લેવાયેલું આ પગલું ખૂબ જ આવકારદાયક સાબિત થશે.

(7:16 PM IST)