News of Saturday, 25th April 2026
અક્ષય કુમારની પુત્રી પાસે નગ્ન તસવીરોની માંગ કરનાર વિકૃત સાયબર માથાભારેની ધરપકડ: બોલિવૂડ સુપરસ્ટારની સતર્કતાએ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો
ઓનલાઇન ગેમ રમતી વખતે માસૂમ દીકરીને નિશાન બનાવનાર શખ્સને મહારાષ્ટ્ર સાયબર પોલીસે દબોચ્યો, અભિનેતાએ જાહેરમાં પોતાની આપવીતી વર્ણવી વાલીઓને સાવચેત રહેવા કરી અપીલ અને શાળાઓમાં 'સાયબર પિરિયડ' શરૂ કરવા સીએમને કરી રજૂઆત

મુંબઈ:માયાનગરી મુંબઈમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમારની ૧૩ વર્ષની પુત્રીને નિશાન બનાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર પોલીસના એડિશનલ જીપી યશસ્વી યાદવે એક જાગૃતિ કાર્યક્રમ દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે, અક્ષય કુમારની પુત્રી પાસેથી ઓનલાઇન પ્લેટફોર્મ પર અશ્લીલ તસવીરોની માંગણી કરનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે અભિનેતાની પુત્રી ઇન્ટરનેટ પર વિડિયો ગેમ રમી રહી હતી. પોલીસે આરોપીની વિગતો ગુપ્ત રાખી છે, પરંતુ આ કાર્યવાહી સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે.
આ સમગ્ર કિસ્સાનો પર્દાફાશ કરતા અક્ષય કુમારે પોતે એક વિડિયો દ્વારા હૃદયદ્રાવક વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે તેમની પુત્રી અજાણ્યા વ્યક્તિ સાથે ઓનલાઇન ગેમ રમી રહી હતી ત્યારે ચેટ બોક્સમાં પેલા શખ્સે પહેલા જાતિ પૂછી અને ત્યારબાદ નગ્ન ફોટા મોકલવા માટે દબાણ કર્યું હતું. જોકે, પુત્રીએ ગભરાવાને બદલે તરત જ રમત બંધ કરી માતા ટ્વિંકલ ખન્નાને જાણ કરી હતી. આ હિંમતભર્યા પગલાને કારણે જ સાયબર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી શકી હતી. ઓક્ટોબર ૨૦૨૫ના એક કાર્યક્રમમાં આ કિસ્સો વર્ણવતા અક્ષય કુમાર ભાવુક દેખાયા હતા અને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવવા આ ઉદાહરણ આપ્યું હતું.
અભિનેતાએ આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળીને શાળાઓમાં સાયબર સુરક્ષા અંગેના શિક્ષણની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે ધોરણ ૭ થી ૧૦ સુધીના બાળકો માટે દર અઠવાડિયે ખાસ 'સાયબર પીરિયડ' હોવો જોઈએ જેથી તેઓ ઓનલાઇન દુનિયામાં છુપાયેલા જોખમો સામે રક્ષણ મેળવી શકે. મુંબઈ પોલીસના 'સાયબર જાગૃતિ માસ ૨૦૨૫' અંતર્ગત આ ઘટનાનો ઉલ્લેખ કરીને અન્ય વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોની ઓનલાઇન ગતિવિધિઓ પર નજર રાખે અને બાળકોમાં પણ એવી સમજ કેળવે કે આવી કોઈ પણ ઘટના બને તો તરત જ પરિવારને જાણ કરે.
આ ઘટના બાદ સાયબર સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, ત્યારે શું તમને લાગે છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર બાળકોની સુરક્ષા માટે કડક કાયદાઓની સાથે વાલીઓના ડિજિટલ મોનિટરિંગમાં વધારો થવો જોઈએ?
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
